બે બિલાડીઓએ લૅન્ડસ્લાઇડિંગ વખતે આ કપલનો જીવ બચાવી લીધો

26 October, 2019 10:15 AM IST  |  ઇટલી

બે બિલાડીઓએ લૅન્ડસ્લાઇડિંગ વખતે આ કપલનો જીવ બચાવી લીધો

કપલ

જ્યારે માલિક પર કોઈ મુસીબત આવવાની હોય ત્યારે પાળેલા પ્રાણીઓ જે વફાદારી દાખવતાં હોય છે એ કાબિલેદાદ છે. મોટા ભાગે આવા કિસ્સાઓ ડૉગીઓના વધુ સાંભળવા મળે છે, પરંતુ ઇટલીના લિગુરિયામાં ક્લોડિયો પિયાના અને તેની પત્ની સબરિનાને તેમની બે પાળેલી બિલાડીઓએ બચાવી લીધા હતા. જ્યારે લૅન્ડસ્લાઇડિંગ થયું એ વખતે દંપતી પોતાના ઘરમાં સૂઈ રહ્યું હતું. ભૂસ્ખલનની અસર તેમના ઘર સુધી પહોંચે એ પહેલાં જ તેમની પાળેલી બિલાડીઓ સિમ્બા અને મોસે જોરજોરથી અવાજો કરીને યુગલને જગાડી દીધું હતું. એ જ વખતે ઊઘમાંથી જાગેલી પત્નીએ જોયું કે છત પરથી પ્લાસ્ટરના ટુકડા પડવા શરૂ થઈ ગયા છે. બીજી તરફ દીવાલો પર પણ તિરાડો પડવાની શરૂ થઈ ગઈ હતી. એ જોઈને તરત જ દંપતી ઘરમાંથી બહાર નીકળી આવ્યું અને જે પળે તેઓ બહાર નીકળ્યા એની ત્રીજી ક્ષણે મકાન પત્તાંના મહેલની જેમ ફસકી ગયું.

આ પણ વાંચો : 120 વર્ષ જૂની દીવાદાંડી ઊંચકીને 80 મીટર દૂર ખસેડાઈ

હાલમાં લિગુરિયામાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈને તોફાને ચડી છે. ભૂસ્ખલનથી બચવા દંપતી પોતાની કાર તરફ ભાગ્યું, પણ ત્યાં સુધી પહોંચે એ પહેલાં કીચડમાં ફસાઈ ગયું. જોકે રાહતકર્મીઓએ યુગલ અને તેમની બન્ને બિલ્લીઓને કાદવમાંથી બચાવી લીધા હતા.

italy offbeat news hatke news