ગોવાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઝોકાં ખાવાં માટે મળશે સ્પેશ્યલ બ્રેક

27 February, 2020 02:52 PM IST  |  Mumbai Desk

ગોવાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઝોકાં ખાવાં માટે મળશે સ્પેશ્યલ બ્રેક

ગોવાની સ્કૂલોમાં આવતા મહિને ફિટનેસ વીક ઊજવવામાં આવનારા છે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને પૂરતી ઊંઘ લેવા માટે પ્રેરિત કરવામાં આવશે. રાજ્યના ડિરેકટર ઑફ એજ્યુકેશન દ્વારા સ્કૂલોને ‘માઇન્ડફુલનેસ ઍક્ટિવિટીઝ’ અંતર્ગત વિદ્યાર્થીઓને પાંચ મિનિટ સૂવા દેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

દેશભરમાં લૉન્ચ કરાયેલા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે સ્કૂલોને દરરોજ વિદ્યાર્થીઓને કસરત કરાવવાનું કહેવાયું છે. સ્કૂલોને વિવિધ ઍક્ટિવિટીઝ માટેની માસિક થીમ પણ આપી દેવાઈ છે.

આખા ફેબ્રુઆરી મહિના દરમ્યાન સ્કૂલોને ‘મૅજિકલ મન્ડે’ ઊજવવા કહેવાયું હતું જેમાં વિદ્યાર્થીઓને આપણી દેશી રમતો રમાડવા, દરેક વિદ્યાર્થીની શારીરિક બાબતો અને ખાવાની આદતોની પ્રોફાઇલ તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું.

સ્કૂલોને માર્ચમાં મેન્ટલ ફિટનેસ વીક ઊજવવા કહેવાયું છે જેમાં ક્રૉસવર્ડ્સ, સુડોકુ અને વર્લ્ડ જંબલ્સ જેવી પઝલ્સ રમાડવા કહેવાયું છે. આ ઉપરાંત યોગ અને પાંચ મિનિટની ઊંઘ જેવી મન શાંત થાય એવી પ્રવૃ‌ત્ત‌િઓ હાથ ધરવા કહેવાયું છે. એપ્રિલમાં પીટી ડ્રિલ કરવા કહેવાયું છે જેમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને સ્કૂલના સ્ટાફે પણ ભાગ લેવાનો રહેશે. એવું પણ સૂચન કરાયું છે કે સ્કૂલો ૧૦ મિનિટનો ફિટનેસ બેલ વગાડશે જે દરમ્યાન વિદ્યાર્થીઓ સાદી સ્ટ્રેચિંગ કસરતો કરશે.

international news offbeat news national news goa