બંધ આંખે ૧ મિનિટમાં રુબિક્સ ક્યુબ પઝલ સૉલ્વ કરી રેકૉર્ડ બનાવ્યો યુવકે

15 December, 2019 12:09 PM IST  |  Mumbai Desk

બંધ આંખે ૧ મિનિટમાં રુબિક્સ ક્યુબ પઝલ સૉલ્વ કરી રેકૉર્ડ બનાવ્યો યુવકે

ઇટલીના રોમમાં રહેતો ૨૦ વર્ષનો ઍન્ડ્રિયા મુઝી યાદશક્તિનો બાદશાહ છે. તેણે હજી થોડા સમય પહેલાં જ સૌથી વધુ ચીજો યાદ રાખવાના કૌશલને કારણે ૨૦૧૯ની વર્લ્ડ મેમરી ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. હવે આ પ્રતિભાશાળી યુવકે આંખે પાટા બાંધીને રુબિક્સ ક્યુબ પઝલ સૉલ્વ કરી નાખી છે અને એ પણ એક મિનિટ કરતાં ઓછા સમયમાં. 

ઍન્ડ્રિયાના આ કરતબના વિડિયોમાં જોવા મળે છે કે તેણે ત્રણ વખત આ ક્યુબ સૉલ્વ કર્યું છે અને દરેક વખતે ૫૦ સેકન્ડ કરતાં પણ ઓછો સમય તેને લાગ્યો છે. ક્યુબ સૉલ્વ કરતાં પહેલાં દરેક વખતે તે ખૂબ ધારી-ધારીને ક્યુબને નિહાળે છે અને અભ્યાસ કર્યા બાદ આંખે પાટા બાંધે છે. તે ક્યુબ સૉલ્વ કરતો હોય એ વખતે કાંઈ જોઈ ન શકે એ માટે નિર્ણાયક તેના બ્લાઇન્ડફોલ્ડ ઉપરાંત આંખ અને ક્યુબ વચ્ચે એક લેમિનેટેડ પેપર પણ મૂકી દે છે.
આટલી સચોટ પ્રતિભા હોવા છતાં ભાઈનું કહેવું છે કે દિમાગની આ રમતમાં હું હજી નવો છું. ૨૦૧૭માં તેણે આ ટેક્નિક શીખવાની શરૂઆત કરી અને ૨૦૧૮માં તેની તાલીમ લીધેલી.
ચીનના જુહાઇ શહેરમાં યોજાયેલી મેમરી ચૅમ્પિયનશિપમાં મુઝી અન્ય ૧૭૦ મેમરી ચૅમ્પિયન્સને હરાવી ચૂક્યો છે. ૨૪ સેકન્ડમાં તે પત્તાંની કેટ યાદ રાખી શકે છે, પોતાની યાદશક્તિ માટે મુઝી બે વર્લ્ડ રેકૉર્ડ્સ ધરાવે છે. એક સમયે એકસાથે તે ૧૮૨૯ પત્તાં (એટલે કે ૩૫ પત્તાંની કેટ કરતાં વધુ પત્તાં)નો ક્રમ યાદ રાખી શકે છે અને અડધા કલાકમાં ૧૨૦૨ પત્તાંનો ક્રમ મોઢે કરી શકે છે.
યાદશક્તિ વધારવા માટે મુઝી શેરલોક હોમ્સની એક વાર્તામાં ઉપયોગમાં લેવામાં આવેલી પ્રાચીન ‘મેમરી પૅલેસ’ તૈયાર કરવાની ટેક્નિકનો ઉપયોગ કરે છે. તેનું કહેવું છે કે તેની આ આવડત ‘ગૉડ ગિફ્ટેડ’ નથી. યાદશક્તિ વધારવા અને મગજને ટ્રેઇન કરવા માટે ક્રૉસવર્ડ રમવા કે ટીવી જોવાને બદલે વાંચન તેમ જ મેડિટેશન કરવું જરૂરી છે એમ તે માને છે.

offbeat news