દર્દીનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ માટે નર્સે તેને દત્તક લઈ લીધો

14 November, 2019 09:00 AM IST  |  America

દર્દીનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ માટે નર્સે તેને દત્તક લઈ લીધો

નર્સ અને દર્દી

અમેરિકાના જ્યૉર્જિયાના વૉર્મ સ્પ્રિંગ્સમાં ઑફિસ ક્લર્કની નોકરી કરતો જોનાથન પિન્કાર્ડ બેઘર હોવાથી શેલ્ટર હોમમાં રહેતો હતો. દુનિયામાં તેનું કોઈ નહોતું. હાર્ટની બીમારીને કારણે તે હૉસ્પિટલમાં તપાસ માટે જતો હતો. ડૉક્ટરે તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર દર્શાવી, પરંતુ બેઘર જોનાથન પાસે ટ્રાન્સપ્લાન્ટ પછી સારવારની સપોર્ટ સિસ્ટમ ન હોવાથી તેને ટ્રાન્સપ્લાન્ટનું નવું હાર્ટ મેળવવા માટે ડિસ્ક્વૉલિફાય કર્યો હતો. 

જોનાથનના એ સંજોગોની ખબર ઍટ્લાન્ટાની ૫૭ વર્ષની નર્સ લોરી વુડને પડી. તેણે તેના ત્રણ દીકરાની જોડે વાત કરીને જોનાથનને તેની મેડિકલ ઇમર્જન્સી માટે અડૉપ્ટ કરવા વિચાર્યું હતું. જોનાથનને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાની માહિતી આપવામાં આવી ત્યારથી ચારેક મહિના પછી નર્સ લોરી વુડે હૉસ્પિટલમાં જઈને તેની સારવારની જવાબદારી સ્વીકારતાં જોનાથનના અડૉપ્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.

લોરી વુડ કહે છે કે ‘નર્સ તરીકેની ૩૫ વર્ષની મારી કારકિર્દીમાં મેં જોયું કે કોઈ દર્દીને અમુક વસ્તુની તાકીદની જરૂરિયાત હોય અને તે કોઈ પણ કારણસર એ વસ્તુ મેળવી ન શકે તો એ ખૂબ હતાશાનો વિષય બને છે. જોનાથનની મેડિકલ ટેસ્ટ્સમાં તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેને નવું હાર્ટ મેળવવા માટે ગેરલાયક ગણવામાં આવ્યો હોવાથી તેને હાર્ટ મળવાનું જ નહોતું. બીજી બાજુ ઈશ્વર યોગ્ય વેળાએ યોગ્ય વ્યક્તિને જીવનમાં લાવે છે. મારે તો કંઈ વિચારવાનું જ નહોતું. હું નર્સ છું, મારા ઘરમાં એક્સ્ટ્રા રૂમ છે. બધી સગવડો છે. મારે કોઈ વધારે જહેમત ઉઠાવવાની નહોતી. જોનાથને મારી સાથે આવ્યા વગર છૂટકો નહોતો.’

જાન્યુઆરી મહિનામાં જોનાથનને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતાં લોરી વુડ તેને કારમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગઈ. ઍટ્લાન્ટાની નજીક હોગન્સવિલેની એક ફાર્મહાઉસમાં એના ત્રણ મોટા દીકરાઓમાંથી એક ઑસ્ટીનની સાથે રહે છે. જોનાથનના સામાનમાં એક મોબાઇલ ફોન સિવાય કંઈ નહોતું. લોરી વુડે એને જુદો બેડરૂમ આપ્યો. તેને કહ્યું કે આને તું તારું પોતાનું ઘર સમજજે. ગયા ઑગસ્ટ મહિનામાં જોનાથનની સાત કલાકની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતાથી પાર પડી. હવે એ સાવ સાજો થઈ જતાં ઑફિસમાં જઈ શકશે. જોનાથન લોરી વુડને બીજી મા ગણતાં કહે છે કે ‘આટલી સેવા મા સિવાય કોણ કરે? તેમના ઘરમાં આવ્યો ત્યારથી મને માતાની હૂંફનો એહસાસ થાય છે.’

આ પણ વાંચો : આ વ્યક્તિનો શોખ જાણીને ચોંકી જશો તમે પણ, ઘરમાં પાળ્યું આ જીવ

ઑટિઝમના દર્દી જોનાથન પિન્કાર્ડને ૨૦૧૮ના ઑગસ્ટ મહિનામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં નોકરી છોડવાની જરૂર પડી હતી. ત્યાર પછી તેણે અવારનવાર હૉસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. જોનાથનની મા રીહૅબિલિટેશન સેન્ટરમાં હોવાથી તે દાદીની જોડે રહેતો હતો. ૨૦૧૪માં દાદી ગુજરી ગઈ અને અન્ય સગાં સાથે રહેવાની વ્યવસ્થા પણ બંધ થઈ એટલે જોનાથન શેલ્ટર હોમમાં રહેતો હતો.

georgia offbeat news hatke news