૯ વર્ષના છોકરાએ એક કલાકમાં ૧૭૨ ડિશ બનાવીને કર્યો રેકૉર્ડ

20 February, 2021 08:53 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

૯ વર્ષના છોકરાએ એક કલાકમાં ૧૭૨ ડિશ બનાવીને કર્યો રેકૉર્ડ

હયાન અબદુલ્લા

કેરાલાના કોઝીકોડ જિલ્લાના ફેરોકે ગામના ૯ વર્ષના હયાન અબદુલ્લાએ માત્ર એક કલાકમાં ૧૭૨ ડિશ તૈયાર કરીને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. તેણે તૈયાર કરેલી ડિશમાં વિવિધ પ્રકારની બિરયાની, જૂસ, પેનકેક, ઢોસા, સૅલડ, મિલ્ક શેક અને ચૉકલેટ્સનો સમાવેશ થાય છે. હયાન અબદુલ્લાની મમ્મીનું કહેવું છે કે માત્ર ૪ વર્ષની વયે હયાને ખોરાક રાંધવાની તેમ જ મને રસોડામાં મદદ કરવાની શરૂઆત કરી હતી.

હયાનનો પરિવાર ચેન્નઈમાં રેસ્ટોરાંની શ્રેણી ચલાવતો હોવાથી આટલી નાની વયે તેને વાનગી તૈયાર કરવાનો શોખ જાગે એમાં કોઈ નવી વાત નથી. ચેન્નઈની શેરવુડ હૉલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હયાન કહે છે કે હું ઝડપથી રાંધી શકું છું એ બાબતની મારા પરિવારે નોંધ લીધી હતી. આથી કાંઈ નવીન કરવાની ચાહમાં મેં મારા ખોરાક રાંધવાના સમય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવા માટે મારે કોઈ વિશેષ તૈયારી કરવી નહોતી પડી.

કોવિડ-19ના પ્રતિબંધને કારણે આ સ્પર્ધા ઑનલાઇન થઈ હતી. હયાનની પોતાની હયાન ડેલિક્સિઝ નામની યુટ્યુબ ચૅનલ છે; જેમાં તે અંગ્રેજી, મલયાલમ અને તામિલ એમ ત્રણ ભાષામાં તમામ ડિશ તૈયાર કરવા બાબતે વિગતે સમજાવે છે. રસોઈ બનાવવી એ હયાનનો શોખ છે, જ્યારે તેની ઇચ્છા પાઇલટ બનવાની છે, તો બીજી તરફ પાસ્તા બાર શરૂ કરવું એ તેનું સપનું છે.

offbeat news national news kerala guinness book of world records