માત્ર ૯ મહિનાના બાળકે પર્વત પર કરી અનોખી ચડાઈ

13 September, 2026 02:56 PM IST  |  Wuhan | Gujarati Mid-day Correspondent

ચીનના વુહાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે, જેમાં માત્ર નવ મહિનાનું બાળક કોઈની મદદ વગર હાથ અને ઢીંચણના સહારે પથ્થરનાં પગથિયાં ચડી રહ્યું છે. તેની ઝડપ, ઊર્જા અને આત્મવિશ્વાસ જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.

૯ મહિનાના બાળકે પર્વત પર ચડાઈ કરી

મધ્ય ચીનના હુબેઈ પ્રાંતનું વુહાન આમ તો કોરોનાના સમયમાં જાણે વિશ્વનું ડેન્જર ઝોન બની ચૂક્યું હતું પણ હવે આ ‘કુખ્યાત’ શહેરમાંથી આવ્યો છે એક અદ્ભુત વિડિયો.
જે ઉંમરે બાળકો ચાલવાનું શીખી રહ્યાં હોય અને ઘોડિયામાં ઊંઘતાં હોય એવી માત્ર નવ મહિનાની ઉંમરે એક માસૂમ ભૂલકાએ પોતાની ઊર્જા, સંતુલન અને આત્મવિશ્વાસથી આખો પર્વત ચડી બતાવ્યો છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’ દ્વારા આ બાળકની પર્વત પરની ચડાઈનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં તેને અત્યાર સુધીનો સૌથી નાની વયનો પર્વતારોહક ગણાવાઈ રહ્યો છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે આ બાળક કોઈની મદદ વગર જ પથ્થરનાં પગથિયાંઓ પર પોતાના હાથ અને ઢીંચણના સહારાથી શિખર તરફ ચડી રહ્યું છે. આ બાળ પર્વતારોહક એટલી ઝડપ અને ઉત્સાહથી પગથિયાં ચડી રહ્યું છે જાણે તેને કોઈ મંઝિલ પર પહોંચવાનો હૈયેથી ઉમંગ હોય.

china beijing world news viral videos social media social networking site offbeat news hatke news