13 October, 2025 08:23 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ૮૨ વર્ષનાં ઝાંગ અટક ધરાવતાં એક માજી કમરની પીડામાંથી છૂટવા માટે કોઈક ઊંટવૈદના કહેવાથી અખતરો કરવા ગયાં એમાં બીજી મુસીબત નોતરી બેઠાં. કરોડમાં એક હાડકું ખસી ગયું હોવાથી દાદીને કમરનું દરદ ખૂબ જ થતું હતું. જે કોઈ નિષ્ણાત જે કહે એ તમામ ઉપાયો અજમાવી ચૂક્યા પછી દાદીને કોઈક નીમહકીમે નુસખો સૂચવ્યો જીવતા દેડકા ગળી જવાનો. દાદીએ એ કરી પણ નાખ્યું. ઝાંગ દાદીએ જીવતા દેડકા ગળી લીધા એને કારણે તેમની પીડા ખૂબ જ વધી ગઈ. જીવતા દેડકા પેટમાં જઈને તો મરી ગયા, પરંતુ એને કારણે જીવતા પરોપજીવીઓ પણ શરીરમાં દાખલ થઈ ગયા હોવાથી સ્પાર્ગનમ નામના કૃમિનું ઇન્ફેક્શન થઈ ગયું. આ પરજીવીએ પાચનતંત્ર ખોરવી નાખ્યું. ડૉક્ટરોએ બે વીક સુધી સઘન સારવાર આપી ત્યારે દાદી ઇન્ફેક્શનમુક્ત થયાં. જોકે ઇન્ફેક્શન પછી પીડાની સાથે નબળાઈ પણ આવી ગઈ હોવાથી દાદી હવે પથારીવશ થઈ ગયાં છે.