૬૪ વર્ષે નીટ ક્લિયર કરી

29 December, 2020 09:16 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

૬૪ વર્ષે નીટ ક્લિયર કરી

કહેવત છે કે મન હોય તો માળવે જવાય, આ કહેવતને યથાર્થ ઠેરવી છે ઓડિશાના નિવૃત્ત બૅન્કર જય કિશોર પ્રધાને. પોતાની ઇચ્છાશક્તિ અને માનસિક શક્તિએ તેમને આ ઉંમરે પણ નવું શીખવાની ધગશ પૂરી પાડી છે.

૬૪ વર્ષના જયભાઈ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી છે. બાળપણથી તેમની ઇચ્છા ડૉક્ટર બનવાની હતી. છેલ્લે ૧૯૭૦માં તેમણે એમબીબીએસની પ્રવેશ પરીક્ષા આપી હતી, પણ ઉત્તીર્ણ થઈ શક્યા નહોતા. ત્યાર બાદ નોકરી અને સંસારની જંજાળને કારણે તેઓ પોતાનું સ્વપ્ન જાણે ભૂલી જ ગયા હતા.

૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષા માટેની વયમર્યાદા હટાવી દેતાં જય પ્રધાનની જોડિયા દીકરીઓએ તેમને પોતાનું સ્વપ્ન પૂરું કરવા પ્રેરિત કર્યા હતા. આમાંની એક પુત્રીનું ગયા મહિને મૃત્યુ થયું હતું. પુત્રીને શ્રદ્ધાંજલિ આપવા તેમણે એમબીબીએસ કરવા નીટની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો અને પાસ પણ કરી બતાવી. જય પ્રધાને કાર્ડિયોલૉજી, પલ્મોનરી ફંક્શન અને નેફ્રોલૉજીમાં વિશેષતા હાંસલ કરી છે અને હવે તેઓ બુરલાસ્થિત વીર સુરેન્દ્રરાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ઍન્ડ રિસર્ચમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવશે.

offbeat news national news odisha