પંચાવન વર્ષનાં બહેન ૧૭મી વાર મમ્મી બન્યાં

30 August, 2025 07:48 AM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

આટલીબધી વાર બાળકનો જન્મ થતાં ગર્ભાશય ખૂબ નબળું થઈ ગયું છે. આવામાં માનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. નસીબ સારું કે બધું ઠીકઠાક રહ્યું.’

પંચાવન વર્ષનાં રેખા કાલબેલિયાએ તેમના ૧૭મા બાળકને જન્મ આપ્યો

છોટા પરિવાર સુખી પરિવાર એ કહેવત સાથે જાણે કોઈ જ લેવાદેવા ન હોય એમ ઉદયપુરમાં એક દંપતીએ પરિવારને બહોળો જ બનાવ્યા કર્યો છે. ડૉક્ટરને જ્યારે ખબર પડી કે આ દંપતી ૧૭મી વાર પેરન્ટ્સ બનવાનું છે ત્યારે તેમને પણ અચરજ થયું હતું.

ઉદયપુરના ઝાડોલ ગામના પબ્લિક હેલ્થ સેન્ટરમાં પંચાવન વર્ષનાં રેખા કાલબેલિયાએ તેમના ૧૭મા બાળકને જન્મ આપ્યો હતો. નવાઈની વાત એ છે કે આ અવસરે માત્ર તેમના સંબંધીઓ જ નહીં, દીકરા-દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓ પણ હાજર હતાં. રેખા તેના પતિ કાવરારામ સાથે લીલાવાસ નામના ગામમાં રહે છે. તેમના ચાર દીકરા અને એક દીકરી એટલે કે કુલ પાંચ સંતાનો જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યાં હતાં અને અત્યારે ૧૨ સંતાનો જીવે છે. એમાંથી સાત દીકરાઓ અને પાંચ દીકરીઓ છે. રેખાએ પુત્રને જન્મ આપ્યો એ પહેલાં તેના દીકરાઓના ઘરે પણ પારણું બંધાઈ ચૂક્યું છે. રેખા અને કાવરારામની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી. કાવરારામ ભંગાર વેચવાનું કામ કરે છે. આટલાં બાળકોનું પાલનપોષણ કરવા માટે તેમ જ લગ્ન કરીને પરિવાર વસાવી આપવા માટે તેમણે વ્યાજે પૈસા ઉધાર લઈ રાખ્યા છે. આર્થિક તંગીને કારણે એકેય સંતાનને તેઓ ભણાવી શક્યા નથી. ડિલિવરી કરાવનારા પબ્લિક હેલ્થ સેન્ટરના ડૉક્ટરનું કહેવું છે કે ‘પહેલાં તો રેખાએ અમને કહેલું કે તેની આ ચોથી ડિલિવરી છે, પણ શંકા જતાં વધુ પૂછપરછ કરી તો ખબર પડી કે તેની આ ૧૭મી ડિલિવરી છે. આટલીબધી વાર બાળકનો જન્મ થતાં ગર્ભાશય ખૂબ નબળું થઈ ગયું છે. આવામાં માનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. નસીબ સારું કે બધું ઠીકઠાક રહ્યું.’

udaipur national news news childbirth social media viral videos offbeat news