પગમાં ૧૫૦ કિલોનાં શૂઝ બાંધીને ચાલે છે આ ભાઈ

19 February, 2021 10:18 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

પગમાં ૧૫૦ કિલોનાં શૂઝ બાંધીને ચાલે છે આ ભાઈ

ચીનના ગુઆનઝી પ્રાંતના યુલિન શહેરના ૪૨ વર્ષના ઝાંગ એનશુન છેલ્લા પાંચ મહિનાથી આયર્ન શૂઝની પ્રૅક્ટિસ કરી રહ્યા છે અને એમાં તેમણે ખાસ્સીએવી પ્રગતિ પણ કરી છે. લોકોને પગ સાથે ભારે વજન બાંધીને ચાલવાના સમાચાર જોઈને તેમ જ એનાથી થતા ફાયદા વિશે જાણીને ઝાંગે પણ પ્રયાસ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં તેણે ૧૮.૭૫ કિલોની સ્ટીલ પ્લેટ પગ સાથે બાંધીને ચાલવાની કોશિશ કરી અને આજે હવે તે એક પગ સાથે લગભગ ૧૫૦ કિલોની પ્લેટ બાંધેલા શૂઝ સાથે સહજતાથી ચાલી શકે છે.

પોતાના શરીરના વજન કરતાં લગભગ બમણા વજનની પ્લેટ બાંધીને હવે ઝાંગ ૨૦ મિનિટમાં ૫૦ મીટર જેટલું ચાલી શકવાની સાથે રોજના ૨૦૦-૩૦૦ મીટર ચાલે છે. સંપૂર્ણ વર્કઆઉટ માટે ચાલતી વખતે તે તાઇ ચી એક્સરસાઇઝ પણ કરે છે. બન્ને પગ પરના વજનમાં ચાર ગણો વધારો કર્યા છતાં ઝાંગ હજી પણ તેના પગને બે સેન્ટિમીટર જેટલા ઊંચકી શકે છે અને ૨૦ સેન્ટિમીટર જેટલું ડગલું ભરી શકે છે. આ કસરતથી તેના પગના મસલ્સ, હાડકાં તેમ જ સાંધા મજબૂત થયા છે તથા લોહીનું પરિભ્રમણ સુધર્યું છે. જોકે ડૉક્ટરો ચીનમાં તાજેતરમાં પ્રચલિત થયેલી કસરતના આ પ્રકારને જોખમી ગણાવે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે એક લિમિટ પછી પગમાંના આયર્ન શૂઝનું વજન વધારવાથી ગંભીર ઈજા પહોંચી શકે છે.

offbeat news international news china