12 August, 2026 07:22 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ વખતે વાંદરાઓને ભગાવવા લંગૂરની નકલ કરનારા ૪ લોકોને તહેનાત કરાયા
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૭ ઑગસ્ટથી વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ શરૂ થશે. આ સ્ટેડિયમને લગભગ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું છે. આ ટુનામેન્ટમાં સ્ટેડિયમની તમામ પ્રકારની સુવિધાઓ પર આયોજકોએ ધ્યાન આપ્યું છે. બીજી બધી સુવિધાઓ તો ઠીક, પરંતુ આ ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં વાંદરાઓનો ત્રાસ ન થાય એની બહુ ચિંતા થઈ રહી છે કેમ કે આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટ દરમ્યાન સ્ટેડિયમમાં વાંદરાઓ આવી ચડ્યા હતા અને જબરી ફજેતી થઈ હતી. આવું ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં ન થાય એ માટે આયોજકોએ લંગૂરના અવાજ કાઢી શકે એવા ચાર લોકોને ગ્રાઉન્ડમાં તહેનાત કર્યા છે. ટુર્નામેન્ટની તૈયારીઓ જોવા માટે સ્ટેડિયમની ટૂર લેવા માટે આવેલા પત્રકારો સામે લંગૂર જેવો જ અવાજ કાઢતા એક ભાઈએ વાંદરા ભગાડવાની કલા દેખાડી હતી. વાંદરાઓ લંગૂરથી ડરતા હોય છે અને એટલે એનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગી જાય છે.