સેકન્ડ હૅન્ડ સૂટકેસમાંથી મળેલા ૩૦ લાખ રૂ. ખરીદદારે માલિકને પાછા આપ્યા

20 January, 2020 08:57 AM IST  |  Mumbai Desk

સેકન્ડ હૅન્ડ સૂટકેસમાંથી મળેલા ૩૦ લાખ રૂ. ખરીદદારે માલિકને પાછા આપ્યા

અમેરિકાના સેન્ટ્રલ મિશિગનના રહેવાસી હૉવર્ડ કિર્બીને ગયા મહિને એક અદ્ભુત અને આશ્ચર્યજનક અનુભવ થયો હતો. સેકન્ડ હૅન્ડ શૉપિંગ સેન્ટરમાંથી ખરીદી કરવા ગયેલા હોવર્ડે એક સેકન્ડ હૅન્ડ સૂટકેસ પણ ૪૯૭૩ રૂપિયામાં ખરીદી હતી. થોડા દિવસ બાદ તેમની પુત્રીએ જ્યારે બૅગ ખોલી તો એમાંથી ૩૦ લાખ ૫૪ હજાર રૂપિયાની રોકડ રકમ નીકળી.

પહેલાં તો હોવર્ડ કિર્બીને સૂટકેસનાં નાણાં પોતાને કેટલાં કામમાં આવી શકે અને પોતાની કેટલી મુશ્કેલીઓ દૂર થઈ શકે એનો વિચાર આવ્યો. તેના વકીલે પણ કહ્યું કે જો તમે આ રકમ રાખી પણ લો તો તમારા પર કોઈ કેસ થઈ શકે નહીં, પણ બીજી જ પળે તેને વિચાર આવ્યો કે જો મારી આટલી મોટી રકમ ખોવાઈ જાય તો મને કેટલું દુ:ખ થાય, કેટલી તકલીફ પડે એટલે તેણે એ રૂપિયા તેના મૂળ માલિકને પહોંચાડવાનો નિર્ણય લીધો અને સેકન્ડ હૅન્ડ શૉપિંગ સેન્ટરના માલિકને બૅગ પાછી આપી દીધી. સ્ટોરના માલિકે પણ હોવર્ડ કિર્બીની ઈમાનદારીની પ્રશંસા કરીને બૅગ તેના અસલી માલિકને પહોંચાડવાનો નિર્ણય લીધો.

તપાસ કરતાં ખબર પડી કે આ બૅગ ન્યુબરીમાં રહેતા એક પરિવારની હતી. ગયા વર્ષે સૂટકેસના માલિકનું મૃત્યુ થતાં તેમણે ખોલીને ચેક કર્યા વિના જ આ સૂટકેસ સેકન્ડ હૅન્ડ શૉપિંગ સેન્ટરને દાન કરી દીધી હતી. સેકન્ડ હૅન્ડ શૉપિંગ સેન્ટર જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે ચીજો ઉપલબ્ધ કરી આપે છે.

offbeat news international news