3 વર્ષ પહેલાં આ કન્યા પર કાળો હાથ ટ્રાન્સપ્લાન્ટ થયેલો

09 March, 2020 12:54 PM IST  |  Mumbai Desk

3 વર્ષ પહેલાં આ કન્યા પર કાળો હાથ ટ્રાન્સપ્લાન્ટ થયેલો

આ છોકરીના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા હાથનો કલર બદલાઇ રહ્યો છે.

સામાન્ય રીતે શરીરના ટ્રાન્સપ્લેન્ટેડ અંગોનો રંગ બૉડી કરતાં જુદો હોય એવું બનતું હોય છે. જોકે પુણેમાં રહેતી ૨૧ વર્ષની શ્રેયા સિદનાગૌરના ટ્રાન્સપ્લાન્ટેડ હાથનો રંગ બદલાતાં સૌને આશ્ચર્ય થયું છે. વાત એમ છે કે શ્રેયાના બન્ને હાથ કપાઈ ગયા હતા. એ કપાયેલા હાથની જગ્યાએ તેણે થોડો સમય નકલી પ્રોસ્થેટિક હૅન્ડ વાપરવાનો પ્રયોગ પણ કરેલો, પરંતુ એમાં ફાવટ ન રહેતાં તેણે હૅન્ડ-ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો પ્રયોગ પોતાના શરીર પર કરવાની તૈયારી બતાવી. ૨૦૧૭માં કોચ્ચીની અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં તેના હાથ પર એક દક્ષિણ ભારતીય યુવકના હાથ લગાવવામાં આવ્યા હતા. એ યુવકના હાથ ડાર્ક રંગના હતા ત્યારે શ્રેયાની બૉડીનો રંગ ગૌરવર્ણ હતો. આ પ્રયોગ એશિયાની પ્રથમ ઇન્ટર જેન્ડર હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હતી. એ વખતે હાથોનો રંગ જુદો હતો. જોકે છેલ્લા થોડા સમયમાં અચાનક તેના હાથની ત્વચાનો રંગ શરીરના સર્વસામાન્ય વર્ણ જેવો થઈ જતાં શ્રેયા સહિત સૌને આશ્ચર્ય થયું છે. 

શ્રેયાની સર્જરી ટીમના સભ્ય પ્લાસ્ટિક સર્જ્યન ડૉક્ટર મોહિત શર્માનું કહેવું છે કે ‘ઇન્ટર જેન્ડર હૅન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશે ખાસ સંશોધન થયું નથી. અત્યારે તો લાગે છે કે યુવતીના હૉર્મોન્સમાં ફેરફારોને કારણે આવું બન્યું હોય એવી શક્યતા છે. દુનિયાભરમાં ૨૦૦ જેટલા હાથના ટ્રાન્સપ્લાન્ટ થયાં છે, પરંતુ એમાંના એક પણ કેસમાં સ્કિન ટોન બદલાવાનો રેકૉર્ડ નથી.’

pune national news offbeat news