વર્લ્ડ રેકૉર્ડ રચવા ૨૯૧૦ લૅપટૉપ પાડવામાં આવ્યાં

18 June, 2022 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્લ્ડ રેકૉર્ડ રચવા માટે હજારો લૅપટૉપ્સ ઇન્ડિયાનાપોલીસ એરિયાના બિઝનેસમેન, સંગઠનો અને લોકોએ ડોનેટ કર્યાં હતાં.

વર્લ્ડ રેકૉર્ડ રચવા ૨૯૧૦ લૅપટૉપ પાડવામાં આવ્યાં

લૅપટૉપની સામાન્ય રીતે ખૂબ જ સંભાળ રાખવામાં આવતી હોય છે અને એ પડી ન જાય એની કાળજી લેવાય છે. જોકે અમે તમને કહીએ કે ૨૯૧૦ લૅપટૉપને જાણીજોઈને પાડવામાં આવ્યાં હતાં તો? વેલ, એમ ખરેખર બન્યું છે. એની પાછળનો હેતુ રેકૉર્ડ રચવાનો હતો. અમેરિકાના ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલીસ સિટીમાં કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સ રીસાઇક્લિંગ કંપની ટેક્નૉલૉજી રીસાઇકલર્સના મુખ્યાલયના ફ્લોર પર ૧૩ મેએ ૨૯૧૦ લૅપટૉપને લાંબી અને વળાંકવાળી લાઇનમાં સાથે મૂકવામાં આવ્યાં હતાં. અહીં લૅપટૉપ્સને પાડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચાયો હતો. એક લૅપટૉપ બીજા પર ગબડે અને બીજું ત્રીજા પર એમ એક પછી એક લૅપટૉપ એના પછીના લૅપટૉપને પાડતું જતું હતું. એ રીતે ૨૯૧૦ લૅપટૉપ પડ્યાં હતાં.
ટેક્નૉલૉજી રીસાઇકલર્સે કમ્પ્યુટર રીસાઇક્લિંગની તેમની કામગીરીને બધાની નજરમાં લાવવા માટે આ વર્લ્ડ રેકૉર્ડ રચવાનો નિર્ણય કર્યો હતો. આ વર્લ્ડ રેકૉર્ડ રચવા માટે હજારો લૅપટૉપ્સ ઇન્ડિયાનાપોલીસ એરિયાના બિઝનેસમેન, સંગઠનો અને લોકોએ ડોનેટ કર્યાં હતાં.
વેલ, રેકૉર્ડ બ્રેક કરવા માટે તેમને ૭૫૨થી વધારે લૅપટૉપની જ જરૂર હતી. જોકે તેઓ આ પ્રોજેક્ટને લઈને એટલા પૅશનેટ હતા કે તેઓ સતત લૅપટૉપ ગોઠવતા જ ગયા હતા. જોકે એમાં ખૂબ જ સ્પેસ અને ટાઇમ જતાં આખરે તેમણે લૅપટૉપની સંખ્યા બાબતે એક લિમિટ સેટ કરી હતી. ટેક્નૉલૉજી રીસાઇકલર્સના ૨૯૧૦ લૅપટૉપને ગબડાવવાના પ્રયાસે આ પહેલાંના સાતમી નવેમ્બર, ૨૦૨૧ના રોજ બેલ્જિયમના બેરિંગેનમાં જેન્સ ડેમોલ અને આઉટ ઑફ યુઝ એનવી દ્વારા રચાયેલા ૭૫૨ લૅપટૉપને ગબડાવવાના રેકૉર્ડને તોડ્યો હતો.

offbeat news