નૉર્વેનો યુવાન માત્ર ૬ લાખ રૂપિયામાં કેવી રીતે ૧૮ દેશ ફર્યો હશે?

18 April, 2024 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉબર્ટ કહે છે કે જો તમારે ફ્રીડમ મેળવવું હશે તો કમ્ફર્ટની અપેક્ષા રાખવી જોઈએ નહીં

રૉબર્ટ માઇકલસન

નૉર્વેના યુવાને માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં વિશ્વના ૧૮ દેશ જોઈ લીધા છે. રૉબર્ટ માઇકલસન નામના યુવાનના વિશ્વભ્રમણની ખાસ વાત એ છે કે ૧૮ દેશ ફરવા માટેનો એનો ખર્ચ માત્ર ૬ લાખ રૂપિયા થયો છે. આટલા ઓછા પૈસામાં વધુ ને વધુ ફરવા માટે એ નાછૂટકે જ પૈસા વાપરતો હતો. એટલે કે સસ્તી કે મોંઘી હોટેલને બદલે એ ગુફાઓ જેવી જગ્યાઓમાં રાતવાસો કરી લેતો અને કાચાં ઈંડાં કે જે કંઈ શાકભાજી મળે એ ખાઈને કામ ચલાવી લેતો હતો. રૉબર્ટનું કહેવું છે કે તે એ પુરવાર કરવા માગતો હતો કે સોલો ટ્રાવેલર બનવા માટે પૈસા ક્યારેય અવરોધ બનતા નથી. જોકે આ રીતે ફરવું ઘણું જોખમી પણ છે. પ્રવાસ દરમ્યાન રૉબર્ટ એક વાર વરુના હુમલાથી બચ્યો હતો તો બીજી એક જગ્યાએ સ્થાનિક લોકોએ તેને લૂંટી લીધો હતો. એમ છતાં પણ ૨૧ વર્ષના આ યુવાનનો જુસ્સો અતૂટ રહ્યો હતો.

ન્યુ યૉર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં રૉબર્ટ કહે છે કે જો તમારે ફ્રીડમ મેળવવું હશે તો કમ્ફર્ટની અપેક્ષા રાખવી જોઈએ નહીં. મારે દુનિયા જોવી હતી અને પૈસાની તંગી મને રોકી શકે એમ નહોતી. ઘણી ​​સ્ક્લ્સિ હું બાળપણથી શીખતો આવ્યો હતો જે મને આ પ્રવાસ દરમ્યાન ઘણી ઉપયોગી થઈ હતી. રૉબર્ટે ૨૦૨૩ના ડિસેમ્બરમાં તેની સોલો ટૂર શરૂ કરી હતી. પોર્ટુગલમાં એક જગ્યાએ તેને ગાયોનું દૂધ કાઢી આપવાના બદલામાં ખેતરમાં રહેવા-ખાવા પીવાનું ફ્રી મળ્યું હતું. ફરવા જતી વખતે જાત-જાતની સુવિધા, લક્ઝરીઓની અપેક્ષા રાખતા લોકોએ રૉબર્ટની સોલો ટૂરમાંથી પ્રેરણા લેવા જેવી છે. 

offbeat videos offbeat news social media norway