06 May, 2025 02:15 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
લુટેરી દુલ્હન હાથ લાગી
ઉત્તર પ્રદેશ પોલીસે એક લુટેરી દુલ્હન હાથ લાગી છે. અસલી નામ છે ગુલશના રિયાઝ ખાન; પરંતુ ક્યારેક નેહા, સીમા, સ્વીટી, કાજલ જેવાં નામ ધારણ કરીને ૧૨ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. અલબત્ત, આ કામ તે એકલી નહોતી કરતી. તેણે એક ગૅન્ગ બનાવી હતી જે તેના ખોટું બોલીને લગ્નો કરવાના કાંડમાં સાથ આપતી હતી. સોશ્યલ મીડિયા અને મૅટ્રિમોનિયલ સાઇટ પર પહેલાં તે શિકાર શોધતી અને પછી લગ્ન કરતાં પહેલાં સેટલમેન્ટ અમાઉન્ટ લેતી અને પછી ધામધૂમથી લગ્ન કરતી. દરેક વખતે લગ્ન થઈ ગયાના થોડા જ કલાકમાં દુલ્હનનું અપહરણ થઈ જતું હતું. જોકે હકીકત એ હતી કે ગુલશના તેની ગૅન્ગ સાથે ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ જતી હતી. અત્યાર સુધીમાં ૧૨ લગ્નો કર્યા પછી પણ કુંવારી રહેલી આ કન્યા અસલમાં માત્ર ૨૧ વર્ષની જ છે. તેણે હરિયાણા, બિહાર, ગુજરાત અને મધ્ય પ્રદેશ મળી વિવિધ રાજ્યોમાં જઈને લગ્નો કરીને લૂંટ ચલાવવાનો કાંડ કર્યો છે.
હરિયાણામાં તેણે સોનુ નામના એક યુવક પાસેથી ૮૦,૦૦૦ રૂપિયા ઠગી લીધા હતા અને એ ઘટનાએ લુટેરી દુલ્હનનો પર્દાફાશ કરાવ્યો છે. સોનુએ પોલીસ-ફરિયાદ કરતાં ગુલશના ખાન સાથે ૯ જણની આખી ગૅન્ગને ઝડપી લેવામાં આવી હતી.