ફ્લાઈટમાં પહોંચતાં બે મિનિટનું મોડું થવાથી આ ભાઈને મળ્યું નવજીવન

12 March, 2019 11:46 AM IST  | 

ફ્લાઈટમાં પહોંચતાં બે મિનિટનું મોડું થવાથી આ ભાઈને મળ્યું નવજીવન

આ ભાઈને મળ્યું નવજીવન

રવિવારે સવારે ઇથિયોપિયાની રાજધાની ઍડિસ અબાબાથી નૈરોબી જતી ફ્લાઇટે ટેક-ઑફ કર્યું એની છ-સાત મિનિટમાં જ એ દુર્ઘટનાગ્રસ્ત થઈને ક્રૅશ થઈ ગઈ અને એમાં સવાર મુસાફરો અને તમામ ક્રૂ-મેમ્બર્સ થઈને કુલ ૧૫૭ લોકોએ જીવ ગુમાવ્યો. આ હાદસામાં સદ્નસીબ નીકળ્યા ઍન્ટોનિસ માવરોપોલોસ નામના ભાઈ. ઍન્ટોનિસે ગઈ કાલે ફેસબુક અકાઉન્ટ પર ‘મારો સૌથી ભાગ્યશાળી દિવસ’ નામની પોસ્ટ સાથે કુદરતે તેને કેવી રીતે બચાવી લીધો એની વાત કરી છે. આ યુનાની ભાઈ પણ એ જ ફ્લાઇટમાં જવાના હતા, પરંતુ તેમને ગેટ પર પહોંચવામાં બે મિનિટનું મોડું થઈ જતાં તેઓ એ ફ્લાઇટ ચૂકી ગયા. ઇન્ટરનૅશનલ સૉલિડ વેસ્ટ અસોસિએશન નામની સ્વૈચ્છિક સંસ્થાના અધ્યક્ષ એવા ઍન્ટોનિસ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમના ઍન્યુઅલ ફંક્શનમાં ભાગ લેવા માટે નૈરોબી જવાના હતા. જોકે ઍરપોર્ટ પર પહોંચતાં તેમને મોડું થઈ ગયું. ડિપાર્ચર ગેટ બંધ થઈ ગયો એની બે મિનિટ પછી આ ઍન્ટોનિસ પહોંચ્યા હતા. તેમણે કાઉન્ટર પર બબાલ પણ કરી કે તેઓ માત્ર બે જ મિનિટ લેટ છે તો તેમને પ્રવેશ આપવામાં આવે. જોકે એ રકઝકમાં વધુ સમય જતો રહ્યો અને ફ્લાઇટ ઊપડી ગઈ. આખરે થોડાક કલાકો પછી બીજી ફ્લાઇટમાં તેમણે બુકિંગ કરાવ્યું અને તેઓ ઍરપોર્ટ પર રાહ જોતા બેઠા હતા ત્યારે ઍરપોર્ટના કર્મચારીઓ આવ્યા અને તેમને પોલીસ-સ્ટેશનમાં લઈ ગયા. પહેલાં તો ઍન્ટોનિસને થયું કે પોતે નિયમ તોડવા માટેની બબાલ કરી છે એ માટે પોલીસકેસ કરવામાં આવ્યો હશે, પણ પોલીસ-સ્ટેશન પર જઈને તેમને જે કહેવામાં આવ્યું એ સાંભળીને તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ. કર્મચારીઓએ તેમને કહ્યું હતું કે તમે એકમાત્ર યાત્રી છો જે ET-૩૦૨ની ફ્લાઇટમાં ચડી શક્યા ન હોવાથી બચી ગયા છો, કેમ કે એ વિમાન ક્રૅશ થઈ ગયું છે.

offbeat news