પાકિસ્તાનમાં 103 વર્ષના વૃદ્ધે કોરોનાને આપી માત, હમણાં જ કર્યા છે લગ્ન

28 July, 2020 08:29 AM IST  |  Islamabad | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનમાં 103 વર્ષના વૃદ્ધે કોરોનાને આપી માત, હમણાં જ કર્યા છે લગ્ન

અજીજ અબ્દુલ અલીમ

આખા વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)એ કહેર વર્તાવ્યો છે. સામાન્ય રીતે જ્યાં જુઓ ત્યાંથી ખરાબ સમાચાર જ સાંભળવા મળે છે. પણ તાજેતરમાં પાકિસ્તાનમાંથી સારા સમાચાર આવ્યા છે. અહીં 103 વર્ષના વૃદ્ધ કોરોનાને માત આપીને સાજા થયા છે. આ વડીલ વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થઈને સાજા થઈ જનારા પ્રથમ આટલા ઉંમરલાયક વ્યક્તિ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વૃદ્ધે હાલમાં જ પાંચમા લગ્ન કર્યા છે.

103 વર્ષની ઉંમરના આ વડીલનું નામ અજીજ અબ્દુલ અલીમ છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ ફરી સાજા થઈ ગયા એના કારણે તેમના પરિવાર સહિત સમગ્ર દેશ આશ્ચર્યચકિત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ ઉંમરે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ નબળી પડી જાય છે. જોકે, તેમ છતાં અજીજ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેમને જુલાઈ મહિનામાં કોરોનાનું સંક્રમણ થયું હતું અને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. લગભગ ત્રણ અઠવાડિયા પછી તેઓ સ્વસ્થ થઈને ઘરે આવ્યા હતાં. અજીજ અલીમ પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં આવેલા ચિત્રાલ જિલ્લાના રહેવાસી છે અને તેમનું ગામ ચીન-અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલું છે.

અજીજ અબ્દુલ અલીમના 50 વર્ષીય દીકરા સોહેલ અહમદે કહ્યું હતું કે, જ્યારે અબ્બુને કોરોના થયો ત્યારે ઘરના બધા લોકો બહુ ડરી ગયા હતા. ફક્ત પરિવાર અને ગામના લોકો જ નહીં પણ સમગ્ર દેશના લોકો પરેશાન થઈ ગયા હતા. તેમજ તેઓ બચશે કે નહીં તેની પણ સહુને ચિંતા થવા લાગી હતી. પરંતુ હવે તેઓ સાજા થઈને આવ્યા છે એટલે બધી ચિંતા ટળી ગઈ છે.

અજીજે માનવું છે કે, તેમણે 103 વર્ષની ઉંમરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ જોઈ છે. આ વાયરસ તેમનું કાંઈ નહીં બગાડી શકે કે નહીં તો ડરાવી શકે. સારવાર બાદ સાજા થયા પછી ઘરે ગયા ત્યારે ડૉક્ટરોએ અજીજને ઘરના લોકોથી દુર રહેવાની સલાહ આપી હતી. પરંતુ તેમણે આવા બધા નિયમોનું પાલન કરવાની મનાઈ કરી દીધી છે અને કહ્યું છે કે, તેઓ પરિવારના સભ્યોની સાથે જ રહેશે.

અજીજે 70 વર્ષ સુધી લાકડાનો વેપાર કર્યો હતો. તેઓ પોતાની ત્રણ પત્નીઓ, નવ દીકરા અને એક દીકરી સાથે ગામમાં રહે છે. તેમણે તાજેતરમાં જ પોતાની ચોથી પત્નીને તલાક આપીને પાંચમા લગ્ન કર્યા છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનમાં કોરોનાના 2.74 લાખ કોરોનાના કેસ છે અને 5,842 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે.

coronavirus covid19 international news pakistan offbeat news