પત્નીની હત્યા માટે પતિએ રચ્યું ષડયંત્ર, સાપનો કર્યો ઉપયોગ

26 May, 2020 08:36 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પત્નીની હત્યા માટે પતિએ રચ્યું ષડયંત્ર, સાપનો કર્યો ઉપયોગ

પતિએ રચ્યું પત્નીના મૃત્યુનું ષડયંત્ર

કેરળના એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા માટે ભયાનક પગલું લીધું. તે પોતાના ષડયંત્રમાં સફળ તો થઈ ગયો પણ પોલીસે તેને પકડી પાડ્યો. પોલીસે તેને હત્યાનું કારણ અને રીત જણાવી તેને સાંભળીને તો બધા સ્તબ્ધ થઈ ગયા.

ઘટના છે કેરળની
એએનઆઇની રિપોર્ટ પ્રમાણે ખાનગી બૅન્કમાં સેવા આપતાં કેરળના કોલ્લમ નિવાસી સૂરજ પોતાની પત્ની ઉત્તરા સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક દિવસ પહેલા પોલીસને ખબર પડી કે 7મેના રોજ ઉત્તરાનું મૃત્યુ થઈ ગયું છે. તપાસમાં લાગેલી પોલીસે પતિ સૂરજને પૂછપરછ કરી તો સ્તબ્ધ કરનારી હકીકત સામે આવી ગઈ.

6મેના થઈ હત્યા
પોલીસની તપાસમાં ખબર પડી કે ઉત્તરાનું મૃત્યુ 6મેના સર્પદંશથી થયું હતું, પરિવારજનોએ મૃત્યુ પર શંકા વ્યક્ત કરી રિપોર્ટ નોંધાવી. પોલીસ પ્રમાણે આરોપી પતિ સૂરજ અને તેમની પત્ની ઉત્તરા વચ્ચે બધું સામાન્ય નહોતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સૂરજે જ ઉત્તરાની હત્યા કરી છે.

બીજા લગ્ન અને માલમત્તાનો લોભ
પોલીસ પ્રમાણે સૂરજ કોઇક બીજી છોકરીના ચક્કરમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. તે પત્નીની મત્તા અને દાગીના હડપવા માગતો હતો. આ માટે તેણે પોતાની પત્ની ઉત્તરાને રસ્તા પરથી હટાવી દેવા માટે સર્પદંશ કરાવી તેને મારી નાખવાની યોજના વિચારી. આથી કોઇને ખબર નહીં પડે અને મૃત્યુ નેચરલ લાગશે.

સર્પદંશ દ્વારા નીપજાવ્યું મૃત્યુ
હત્યા માટે સૂરજે એક મદારી પાસેથી કોબરા સાપ લઈ લીધો અને ચુપચાપ ઘરે પહોંચ્યો. સૂરજે સાપને પત્ની ઉત્તરા પર ફેંકી દીધો. સાપ પત્નીને ડંખી લીધો અને થોડીક જ વારમાં તેનું મૃત્યુ થયું. પરિવાર પ્રમાણે ઉત્તરાને માર્ચમાં સાપ એક વાર ડંખ્યો હતો. ત્યારે તેને જેમતેમ કરીને બચાવી લેવામાં આવી હતી.

વીડિયો જોઇને શીખ્યો
સૂરજે પોલીસને જણાવ્યું કે તેણે પત્નીને મારવાની રીત ઇન્ટરનેટ પર વીડિયો દ્વારા શીખી હતી. જ્યારે તેની પત્ની સૂઈ રહી હતી ત્યારે તેના પર સાપ ફેંકી દીધો. સાપ ડંખે છે કે નહીં તે જોવા માટે તે બાજુમાં જ બેસી રહ્યો. સૂરજે જણાવ્યું કે સાપ બે વાર ડંખ્યો. તેના ઝેરથી ઉત્તરાનું મૃત્યુ થયું.

બેની ધરપકડ
સૂરજની આ સ્ટોરી સાંભળી પોલીસ સહિત પાડોશીઓ અને પરિવારજનો સ્તબ્ધ રહી ગયા. ઉત્તરા અને સૂરજનો એક વર્ષનો દીકરો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તરાના પિતાએ લગ્ન દરમિયાન સૂરજને ઘણું ધન અને સામાન આપ્યું હતું. દીકરીના મૃત્યુ પર શંકા થઇ તો મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોલીસે સૂરજ સહિત સાપ વેંચનારની ધરપકડ કરી.

national news kerala offbeat news