બે દિવસથી ભૂખી બાળકીને દૂધ પીવડાવવા પોલીસે ટ્રેન પાછળ દોડ મૂકી

06 June, 2020 08:21 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

બે દિવસથી ભૂખી બાળકીને દૂધ પીવડાવવા પોલીસે ટ્રેન પાછળ દોડ મૂકી

આરપીએફના પોલીસ ઇન્દર

ભોપાલમાં ચાલતી ટ્રેનના એક કોચમાં બે દિવસથી ભૂખી બાળકીને દૂધ પિવડાવનારા આરપીએફ ઇન્દર યાદવની તુલના ઉસૈન બોલ્ટ સાથે કરી રેલવેપ્રધાન પીયૂષ ગોયલે તેની સરાહના કરીને છે. કર્ણાટકથી ગોરખપુર જતી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી સોફિયા હાશમી નામની મહિલા સાથે ત્રણ મહિનાની નાની બાળકી હતી. પ્રવાસમાં બે દિવસથી તેને દૂધ મળ્યું નહોતું. સોફિયાએ ભોપાલ સ્ટેશન પર રેલવે-પોલીસની દૂધ માટે મદદ માગી હતી.

આરપીએફના પોલીસ ઇન્દરે બહારથી દૂધ લઈ આવીને સોફિયાને પહોંચાડવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં ટ્રેન ચાલુ થઈ જતાં એક હાથમાં રાઇફલ અને એક હાથમાં દૂધનું પૅકેટ પકડીને દોડીને ઇન્દરે સોફિયાને દૂધ પહોંચાડ્યું હતું અને એ આખી ઘટના રેલવેના સીસીટીવી કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે આ ઘટનાનો વિડિયો ટ્વીટ કરતાં કૅપ્શન આપી છે, ‘એક હાથમાં રાઇફલ અને એક હાથમાં દૂધનું પૅકેટ લઈને દોડતા આરપીએફના પોલીસ-કર્મચારીએ ઉસૈન બોલ્ટને પણ પાછળ છોડ્યો છે. આ ક્લિપની સોશ્યલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. રેલવેપ્રધાને આ પોલીસ-કર્મચારીને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

વાસ્તવમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ૮થી ૧૦ કલાક મોડી પડી હોવાથી એમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોને ખાણી-પીણીની તકલીફ પડી હતી, જે માટે રેલવે-પોલીસ મદદે આવી હતી.

bhopal national news offbeat news hatke news