ઝી ન્યુઝના બે તંત્રીઓને જામીનનો કોર્ટનો ઇનકાર

29 November, 2012 06:07 AM IST  | 

ઝી ન્યુઝના બે તંત્રીઓને જામીનનો કોર્ટનો ઇનકાર



કૉન્ગ્રેસના સંસદસભ્ય નવીન જિંદલની કંપની પાસેથી કથિતપણે ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી માગવાના આરોપસર પકડાયેલા ઝી ન્યૂઝ અને ઝી બિઝનેસના બન્ને તંત્રીઓને ગઈ કાલે દિલ્હીની કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરીને તેમને બે દિવસ માટે પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. દિલ્હી પોલીસે ગઈ કાલે ઝી ગ્રુપના વડા સુભાષ ચંદ્રાને પણ તપાસમાં સામેલ થવા નોટિસ આપી હતી. જિંદલે નોંધાવેલી ફરિયાદમાં સુભાષ ચંદ્રા તથા ઝી ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર પુનિત ગોએન્કાનું નામ પણ સામેલ છે.

ઝી ન્યુઝના તંત્રી સુધીર ચૌધરી અને ઝી બિઝનેસના તંત્રી સમીર અહલુવાલિયાની ખંડણી માગવાના આરોપસર પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. નવીન જિંદલે એવો આક્ષેપ કર્યો છે કે આ બન્ને સિનિયર પત્રકારોએ મારી કંપની જિંદલ સ્ટીલ ઍન્ડ પાવર લિમિટેડ વિશેની સ્ટોરીઓ નહીં પ્રસારિત કરવા બદલ ખંડણી માગી હતી. ઝી ન્યુઝે બન્ને પત્રકારોની ધરપકડને મિડિયા માટેનો કાળો દિવસ ગણાવ્યો હતો. જોકે જિંદલની કંપનીએ ગઈ કાલે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ખરેખર તો બન્ને પત્રકારોએ ખંડણી માગી એ દિવસ મિડિયા માટે કાળો દિવસ હતો.