20 May, 2025 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યુસુફ પઠાણ
ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા આતંકવાદને પોષવાના જે પ્રયાસ થાય છે એનો પર્દાફાશ કરવા માટે ભારત સરકારે ઘણા દેશોમાં સંસદસભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે. સરકારે તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો સમાવેશ કર્યો હતો, પણ યુસુફ પઠાણે આ પ્રતિનિધિમંડળમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. સરકારે યુસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો. કેન્દ્ર સરકારનું આ પગલું તૃણમૂલ કૉન્ગ્રેસને પસંદ આવ્યું નહોતું. આથી પાર્ટીના દબાણ બાદ યુસુફ પઠાણે કહ્યું હતું કે આ માટે તે ઉપલબ્ધ નથી.
યુસુફ પઠાણનું નામ કેન્દ્ર સરકારે આપ્યું હતું, પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં તૃણમૂલ કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બૅનરજીએ કહ્યું હતું કે ‘આતંકવાદ સામેની લડાઈમાં અમે કેન્દ્ર સરકાર સાથે ખભા મિલાવીને ઊભા છીએ. આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આખી દુનિયા સમક્ષ ખુલ્લું પાડવું જોઈએ, પરંતુ મારી પાર્ટીમાંથી કોણ જશે અને વિપક્ષી પાર્ટીમાંથી કોણ જશે એ પાર્ટી નક્કી કરશે, BJP આનો નિર્ણય લેશે નહીં.’