21 February, 2026 09:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી પોલીસે ભારત મંડપમમાં જઈને શર્ટલેસ પ્રદર્શન કરનારા ૪ પ્રદર્શનકારોની ધરપકડ કરી હતી
દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ગઈ કાલે ઇન્ડિયન યુથ કૉન્ગ્રેસ (IYC)ના કાર્યકરોએ કરેલા શર્ટલેસ વિરોધ-પ્રદર્શનથી ઉપસ્થિતોમાં ગુસ્સો ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક ટેક્નૉલૉજીના કાર્યક્રમમાં થયેલા પ્રદર્શને દેશની નકારાત્મક ઇમેજ રજૂ કરી હતી અને ભારતની AIની મહત્ત્વાકાંક્ષાઓ દર્શાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ અને નીતિ-નિર્માતાઓ ઉપસ્થિત હતા એ જોતાં વિપક્ષે ખોટી જગ્યાએ વિરોધ કર્યો હતો.
એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે આ પ્રકારનો વિરોધ કરવા માટે આ યોગ્ય સ્થળ નથી. એ દેશની ઇમેજ ખરાબ કરે છે. આ વિરોધ-પ્રદર્શન માટેનું સ્થળ નથી જ્યાં ભારત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે અને AI વિશે વાત કરી રહ્યું છે. આવો વિરોધ ન થવો જોઈએ. પ્રદર્શન-બૂથ પર મુલાકાતીઓ રોકાયેલા હતા ત્યારે આ ઘટના અચાનક બની હતી. હું એક બૂથ પર ઊભો હતો ત્યારે મેં કેટલાક લોકો દ્વારા માનનીય વડા પ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાંભળ્યા. અમે સમજી ગયા કે વિરોધનો તેમનો હેતુ હંગામો મચાવવાનો હતો.’
યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ AI ઇમ્પૅક્ટ સમિટમાં ભારત મંડપમ ખાતે એક પ્રદર્શન-હૉલમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષા-કર્મચારીઓએ તેમને ઝડપથી દૂર કર્યા હતા. પોલીસે લગભગ ૧૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી અને તેમને તિલક માર્ગ પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા.
આ મુદ્દે પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પ્રદર્શનકારીઓ હૉલ-નંબર પાંચમાં પ્રવેશ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ફોટોવાળાં સફેદ ટી-શર્ટ પ્રદર્શિત કર્યાં હતાં. તેમણે ‘ભારત અમેરિકા ટ્રેડ-ડીલ’, ‘એપ્સટીન ફાઇલ્સ’ અને ‘વડા પ્રધાને સમાધાન કર્યું છે’ જેવા નારા પણ લગાવ્યા હતા. એને કારણે સ્થળની અંદર હોબાળો મચી ગયો હતો. આ વિરોધ-પ્રદર્શન થોડી મિનિટો સુધી ચાલ્યું હતું, પરંતુ કેટલાક ઉપસ્થિતો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેને કારણે હાઈ-પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ માટે ભેગા થયેલા મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.’
દિલ્હી પોલીસે ભારત મંડપમમાં જઈને શર્ટલેસ પ્રદર્શન કરનારા ૪ પ્રદર્શનકારોની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ઇન્ડિયન યુથ કૉન્ગ્રેસના સેક્રેટરી કૃષ્ણા હરિ, બિહાર સ્ટેટ સેક્રેટરી કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના સ્ટેટ વાઇસ-પ્રેસિડન્ટ અજયકુમાર અને નૅશનલ કો-ઑર્ડિનેટર નરસિંહા યાદવ તરીકે થઈ હતી. ઇન્ડિયન યુથ કૉન્ગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબે સ્વીકાર્યું હતું કે તેમના કાર્યકરોએ આ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ઉદયભાનુની પૂછપરછ કરી રહી છે કે તેમણે ટી-શર્ટ ક્યાં છપાવ્યાં? હાઈ સિક્યૉરિટી ઝોનમાં ઘૂસવાનો માસ્ટરપ્લાન ક્યારે અને ક્યાં તૈયાર થયો હતો?
ઇન્ટરનૅશલ સ્તરના મહાનુભાવો જે સ્થળે આવ્યા છે ત્યાં આ પ્રકારનું પ્રદર્શન કરવું એ ભારતની છબિને ખરાબ કરવા બરાબર છે એમ જણાવતાં BJPના સંસદસભ્ય સંબિત પાત્રાએ કહ્યું હતું કે ‘આ કોઈ સંયોગ નથી, પણ એક પ્રયોગ હતો. એનું પ્લાનિંગ રાહુલ ગાંધીના ઘરે થયું હતું જ્યાં સોનિયા અને પ્રિયંકા હાજર હતાં. રાહુલ દેશના સૌથી મોટા ગદ્દાર છે. તેઓ દરેક વાત પર સવાલ ઉઠાવે છે, ભલે એ ઑપરેશન સિંદૂર હોય કે પછી ઍરસ્ટ્રાઇક. કૉન્ગ્રેસ માટે મારી પાસે ૩ શબ્દો છે : ટૉપલેસ, બ્રેઇનલેસ અને શેમલેસ.’
દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટ ૨૦૨૬માં કૉન્ગ્રેસના કેટલાક કાર્યકરોએ ટી-શર્ટ કાઢીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેનો પડઘો મુંબઈમાં પણ પડ્યો હતો. ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની મુંબઈ બ્રાન્ચના કાર્યકરોએ દાદરના તિલક ભવન ખાતે કૉન્ગ્રેસના કાર્યાલયની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. BJYMના કાર્યકરોએ કૉન્ગ્રેસે ફેલાવેલી અરાજકતાને કડક શબ્દોમાં વખોડતાં બૅનર્સ અને પોસ્ટરો પ્રદર્શિત કર્યાં હતાં.