17 May, 2025 07:37 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભુજ ઍર ફોર્સ સ્ટેશન પર જવાનો સાથે રાજનાથ સિંહ.
ગુરુવારે શ્રીનગરમાં આર્મીના જવાનોને મળ્યા બાદ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ગઈ કાલે ભુજ ઍરબેઝ પર ઇન્ડિયન ઍરફોર્સના જવાનોને મળ્યા હતા અને તેમની ભરપૂર પ્રશંસા કરીને કહ્યું હતું કે ‘ઍરફોર્સની બહાદુરીએ બતાવ્યું છે કે આ સિંદૂર શોભાનું નહીં પણ બહાદુરીનું પ્રતીક છે જે સુંદરતાનું નહીં પણ સંકલ્પનું પ્રતીક છે. આ સિંદૂર ભયની લાલ રેખા છે જે ભારતે હવે આતંકવાદના કપાળ પર ખેંચી લીધી છે. જેટલી વારમાં લોકો નાસ્તો કરે છે એટલી વારમાં તો તમે દુશ્મનોને પતાવી દીધા હતા. પાકિસ્તાનમાં આતંકવાદને ભોંયભેગો કરવામાં તમને માત્ર ૨૩ મિનિટ લાગી હતી.’
જવાનોને મળતી વખતે સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે ગુરુવારે શ્રીનગર અને હવે ભુજ, ઉત્તર અને પશ્ચિમ મોરચે જવાનોમાં હાઈ જોશ છે અને તેમની ઊર્જા જોઈને હું ઉત્સાહ અનુભવી શકું છું.
રાજનાથ સિંહે બીજું શું કહ્યું...
આપણા દેશમાં એક જૂની કહેવત છે કે દિવસે તારા દેખાડવા, પણ ભારતમાં બનેલા બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને રાતના અંધારામાં દિવસનું અજવાળું બતાવી દીધું છે.
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ અને ત્યાંની સરકારને ચોલી-દામનનો સંબંધ છે.
આપણા નાગરિકો દુશ્મનનાં ડ્રોન આવતાં જોઈને ભાગતા નહોતા, પણ આપણી ઍર ડિફેન્સ સિસ્ટમના હાથે એમને તોડી પાડવામાં આવતાં હતાં એનો વિડિયો બનાવતા હતા.
વિશ્વએ અને ખાસ કરીને પાકિસ્તાનની જનતાએ એ સમજવાની જરૂર છે કે તેઓ એવા દારૂગોળાના ઢગલા પર બેઠા છે જેની ચારે તરફ માચીસ છે. કાગઝ કા હૈ લિબાસ, ચિરાગોં કા શહર હૈ, ચલના સંભલ-સંભલ કે, ક્યોંકિ તુમ નશે મેં હો.
ઑપરેશન સિંદૂર હમણાં ખતમ થયું નથી. આ એક ટ્રેલર હતું, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે આપને આખી ફિલ્મ બતાવીશું.
ઑપરેશન સિંદૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે શાંતિ માટે અમારું દિલ જેટલું ખોલીને રાખ્યું છે, શાંતિ નષ્ટ કરનારાઓ વિરુદ્ધ એટલા જ હાથ પણ ખોલીને રાખ્યા છે.
અમે અમારા આરાધ્ય શ્રીરામના એ માર્ગનું અનુસરણ કરતા આગળ વધી રહ્યા છીએ જેમાં તેઓ આસુરી શક્તિઓના વિનાશની પ્રતિજ્ઞા લે છે. જે પ્રકારે ભગવાન રામે પોતાના બાહુઓને ઉઠાવીને ધરતીને રાક્ષસવિહીન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એ જ પ્રકારે અમે આતંકવાદને જડમૂળથી સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
હાલના સીઝફાયરમાં આપણે પાકિસ્તાનની વર્તણૂકના આધારે એને પ્રોબેશન પર રાખ્યું છે. જો એનો વ્યવહાર સુધરશે તો ઠીક છે, પણ જો એના વ્યવહારમાં ફરીથી ગરબડ જોવા મળશે તો એને આકરામાં આકરો દંડ આપવામાં આવશે. આતંકવાદનો અમે લાઉડર અને સ્ટ્રૉન્ગર જવાબ આપીશું