બંગાળ સળગી રહ્યું છે અને મુખ્ય પ્રધાન સાવ ચૂપ છે, તોફાનીઓએ બંગલાદેશ ચાલ્યા જવું જોઈએ : યોગી આદિત્યનાથ

16 April, 2025 12:22 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

જો તેમને બંગલાદેશ ગમે છે તો તેમણે બંગલાદેશ ચાલ્યાં જવું જોઈએ. તમે હજી પણ ભારતીય ધરતી પર બોજ બનીને કેમ રહો છો?

ગઈ કાલે ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક મહિલાને પ્રતીકાત્મક ચાવી આપતા યોગી આદિત્યનાથ.

પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા મુદ્દે સર્જાયેલી હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે ઉત્તર પ્રદેશના હરદોઈમાં જાહેર સભાને સંબોધી હતી એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘દર બીજા કે ત્રીજા દિવસે રમખાણ થતાં હતાં. આ તોફાનીઓનો એકમાત્ર ઉપાય દંડો છે. તેઓ દંડા વગર માનશે નહીં. તમે જોઈ રહ્યા હશો કે બંગાળ સળગી રહ્યું છે. ત્યાંનાં મુખ્ય પ્રધાન ચૂપ છે. તેઓ તોફાનીઓને શાંતિદૂત કહે છે. લાતોં કે ભૂત બાતોં સે કહાં માનનેવાલે હૈં. ધર્મનિરપેક્ષતાના નામે આ લોકોએ તોફાનીઓને તોફાન કરવાની છૂટ આપી દીધી છે. મુર્શિદાબાદ છેલ્લા એક અઠવાડિયાથી સળગી રહ્યું છે. સરકાર ચૂપ છે. આ પ્રકારની અરાજકતાને કાબૂમાં લેવી જોઈએ. તેઓ એક પછી એક ધમકી આપી રહ્યાં છે અને બંગલાદેશમાં જે બન્યું હતું એનું સમર્થન કરી રહ્યાં છે. જો તેમને બંગલાદેશ ગમે છે તો તેમણે બંગલાદેશ ચાલ્યાં જવું જોઈએ. તમે હજી પણ ભારતીય ધરતી પર બોજ બનીને કેમ રહો છો?’

બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલી હિંસા માટે બંગલાદેશીઓ જવાબદાર, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

દેશમાં વક્ફ કાયદાના વિરોધમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે અને પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી હતી ત્યારે હવે એની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ-એજન્સીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને જણાવ્યું હતું કે બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બંગલાદેશી તત્ત્વોની સંડોવણી છે. પોલીસે આ હિંસાના મામલે અત્યાર સુધીમાં કુલ ૨૧૦ લોકોની ધરપકડ કરી છે. મુર્શિદાબાદમાં હાલમાં સ્થિતિ સામાન્ય બની છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે મમતા બૅનરજીના નેતૃત્વ હેઠળ સરકાર ઘૂસણખોરો પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે. વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અચાનક હિંસક બન્યા હતા જેને લીધે મુર્શિદાબાદ જિલ્લા અને દક્ષિણ ૨૪ પરગણામાં અશાંતિ ફેલાઈ છે જેમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

yogi adityanath uttar pradesh west bengal political news national news news