29 December, 2025 01:56 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં કડકડતી ઠંડી હોવા છતાં અત્યારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી છે.
ઈશુના નવા વર્ષમાં ૩ જાન્યુઆરીએ પોષી પૂર્ણિમાથી પ્રયાગરાજમાં યોજાનારા માઘ મેળાની તૈયારીઓ વિશે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સ્પષ્ટ અને કડક સૂચનાઓ જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે માઘ મેળો ફક્ત ધાર્મિક કાર્યક્રમ નથી; શ્રદ્ધા, વ્યવસ્થા અને વહીવટી જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મુખ્ય સ્નાન-ઉત્સવોમાં કોઈ VIP પ્રોટોકૉલ રહેશે નહીં એટલે સામાન્ય ભક્તોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. મુખ્ય પ્રધાને અધિકારીઓને ૩૧ ડિસેમ્બર સુધીમાં બધી તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.
માઘ મેળો ૨૦૨૬ની ૩ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી (મહાશિવરાત્રિ) સુધી કુલ ૪૪ દિવસ ચાલશે જેમાં ૧૨થી ૧૫ કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે. આ વર્ષે મેળાનો વિસ્તાર ૮૦૦ હેક્ટર સુધી વધારવામાં આવ્યો છે અને ઘાટની લંબાઈ ૫૦ ટકા વધારવામાં આવી છે.
ભીડ અને સુરક્ષા-વ્યવસ્થાપન માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સર્વેલન્સ, રિયલ-ટાઇમ મૉનિટરિંગ, CCTV કૅમેરા અને હાઈ-ટેક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. માઘ મેળામાં પહેલી વાર ઍપઆધારિત બાઇક-ટૅક્સી, ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ સિસ્ટમ અને ડિજિટલ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા, સ્વચ્છતા, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ અને ગંગા અને યમુનાની શુદ્ધતા જાળવી રાખવા પર ખાસ ભાર મૂક્યો છે.