પ્રિયંકાની માઈગ્રન્ટ્સ માટે 1000 બસોની ઑફર યોગીએ સ્વીકારી અને થઈ બબાલ

20 May, 2020 07:48 AM IST  |  Lucknow | Agencies

પ્રિયંકાની માઈગ્રન્ટ્સ માટે 1000 બસોની ઑફર યોગીએ સ્વીકારી અને થઈ બબાલ

યોગી આદિત્યનાથ અને પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, સ્થળાંતરિત મજૂરોના પરિવહન માટે કૉન્ગ્રેસે જે ૧,૦૦૦ બસોની યાદી ઓફર કરી હતી, તે ટૂ-વ્હીલર્સ અને કારનાં રજિસ્ટ્રેશન નંબરો ધરાવે છે. આ નિવેદનને પગલે બંને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઇ ગઇ હતી.

જોકે, કૉન્ગ્રેસે આ દાવો ફગાવી દઇને યોગી આદિત્યનાથની સરકારને બસોની ખરાઇ હાથ ધરવાનો પડકાર ફેંક્યો હતો. મૂળ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે માઈગ્રન્ટ્સ માટે ૧૦૦૦ બસની ઑફર પ્રિયંકા ગાંધીએ કર્યો હતો અને આ ઑફર યોગી આદિત્યનાથે સ્વીકારી લીધી હતી. આ પછી કૉન્ગ્રેસ માટે બસોની ઑફર કરવાનું ભારે પડી ગયું હોવાનું લાગ્યું હતું.

કૉન્ગ્રેસના જણાવ્યા પ્રમાણે, બસો રાજસ્થાન-ઉત્તર પ્રદેશ બોર્ડર પર આગ્રા જિલ્લો પાર કરવા માટે પરવાનગીની રાહ જોતી ઊભી છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પક્ષ પર વધુ એક કૌભાંડ આચરવાનો આરોપ મૂકતાં એ મુજબની ટ્વીટ કરી હતી કે, “કૉન્ગ્રેસ છેતરપિંડીની તેની પોતાની જ જાળમાં સપડાઇ ગઇ.”

આ વિવાદ ૧૬મી મેના રોજ ખડો થયો હતો, જ્યારે કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વડ્રાએ લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત મજૂરોને લાવવા માટે ૧૦૦૦ બસો પૂરી પાડવાની ઓફર કરી હતી.

કોંગ્રેસે શરૂઆતમાં દાવો કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકાર આ ઓફરની ઉપેક્ષા કરી રહી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પક્ષના પ્રતિનિધિમંડળને એપોઇન્ટમેન્ટ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

કોંગ્રેસ સ્થળાંતરિત મજૂરોની અવદશા પર રાજકારણ રમી રહી હોવાનો આરોપ મૂકીને આખરે યુપી સરકારે સોમવારે ઑફર સ્વીકારી હતી.

તેણે કોંગ્રેસને બસો અને તેના ડ્રાઇવરો તથા કન્ડક્ટરોની યાદી સુપરત કરવા જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીના પ્રાઇવેટ સેક્રેટરીને સોમવારે રાત્રે ૧૧.૪૦ વાગ્યે મળેલા ઇ-મેલમાં યુપી સરકારે વિરોધ પક્ષને મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં લખનૌ બસો મોકલવા જણાવાયું હતું.

તેના પ્રત્યુત્તરમાં સેક્રેટરીએ યુપી સરકારને વળતો ઇ-મેલ પાઠવ્યો હતો કે, હજારો મજૂરો યુપી બોર્ડર પર એકઠા થયા છે, ત્યારે ખાલી બસોને લખનૌ મોકલવી એ અમાનવીય પગલું છે.

national news priyanka gandhi yogi adityanath lockdown uttar pradesh