03 July, 2026 07:56 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યાના પોલીસ-સ્ટેશનમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે FIR નોંધવાની માગણી કરતી અરજી આપતા ફૈઝાબાદ બાર અસોસિએશનના વકીલો.
અયોધ્યાના રામ મંદિરમાં દાનનાં નાણાં અને કીમતી દાગીનાની ઉચાપતના મામલામાં વિવાદ હવે પોલીસ-સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે. ફૈઝાબાદ બાર અસોસિએશનના સભ્યોએ શ્રી રામજન્મભૂમિ પોલીસ-સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપીને ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ સત્તાવાર ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની કડક માગણી કરી છે. વકીલોએ આક્ષેપ કર્યો છે કે રામ મંદિરના દાનપાત્રમાંથી શ્રદ્ધાળુઓએ ચડાવેલી રોકડ અને અતિ મૂલ્યવાન ઘરેણાંની મોટા પાયે ચોરી કરવામાં આવી છે જેનાથી કરોડો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
લેખિત ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે દાનની ગણતરીમાં પોતાના નજીકના માણસોને ગોઠવીને લાંબા સમયથી આ ગેરરીતિ આચરવામાં આવતી હતી. ફરિયાદ મુજબ ચંપત રાય સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી આશરે ૧૦ લાખ રૂપિયા અને અનિલ મિશ્રા તથા ગોપાલ રાવ સાથે જોડાયેલી વ્યક્તિ પાસેથી પણ લાખો રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. વકીલોનો આરોપ છે કે ચોરીની આ રકમ નિયમિતપણે અજ્ઞાત સ્થળોએ મોકલી દેવાતી હતી.
વકીલોનો આરોપ
વકીલોએ આક્ષેપ કર્યો છે કે ૨૫ જૂને નોંધાયેલા FIR (નંબર ૯૦/૨૦૨૬)માં મુખ્ય સૂત્રધારોનાં નામનો ઇરાદાપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કેસને ભટકાવવા તેમ જ પુરાવા નબળા કરવા માટે ઊપજાવી કાઢેલી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે, આ આખા કૌભાંડને દબાવવા અને અસલી ગુનેગારોને પ્રોટેક્શન આપવા માટે જ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો ઉપયોગ થઈ રહ્યો છે અને તેથી જ તેની પ્રથમ રિપોર્ટ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી.