ભારતના આ રાજ્યના WHOએ વખાણ કર્યા, જાણો કેમ?

18 November, 2020 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતના આ રાજ્યના WHOએ વખાણ કર્યા, જાણો કેમ?

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોના વાયરસ સામે તંત્રની ચોક્કસ વ્યૂહરચનાના મામલે ઉત્તર પ્રદેશ સરકારના વખાણ કર્યા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર WHOના કંટ્રી રિપ્રેઝન્ટેટિવ રિડરિકોએ જણાવ્યું હતું કે, કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રયત્નોને આગળ વધારતી ઉત્તર પ્રદેશ સરકારની રણનીતિ પ્રશંસાને પાત્ર છે. જે અન્ય રાજ્ય માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે છે.

સત્તાવાર નિવેદન આપતા ઉમેર્યું હતું કે, WHOએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની સરકાર તરફથી કોરોના વાયરસ સામે તકેદારીના પ્રયાસ માટે ભરેલા પગલાંને વખાણ્યા છે. ખાસ કરીને ખૂબ જ સંવેદનશીલ ગણાતા સંપર્ક પર સતત નજર રાખવા બદલ એમના કામની વિશેષ નોંધ લીધી છે. 

કોરોના વાયરસની મહામારીના કાળમાં સૌથી સંવેદનશીલ કેસ અને જોખમી કેસ સામે લડવામાં 70,000થી પણ વધારે ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર અને ઓફિસરોએ સમગ્ર રાજ્યના જુદા જુદા ક્ષેત્રમાં કામ કર્યું છે.

WHOના રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારે કોરોના પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 93 ટકા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું છે. જેનાથી કોરોના વાયરસના વધતા જતા કેસ સામે લગામ ખેંચાઈ છે. કોરોના વાયરસથી અન્ય લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે જે કોન્ટેક્ટ ટ્રેસિંગની રણનીતિ તૈયાર કરી છે એનાથી ઘણું કામ થયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પહેલ પર આરોગ્ય વિભાગ તરફથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે શરૂઆતના તબક્કાથી જ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે.

નેશનલ પબ્લિક હેલ્થ સર્વેલિયન્સ પ્રોજેક્ટ અંતર્ગત 800 મેડિકલ ઓફિસર્સની ટીમ WHO તરફથી તૈયાર કરવામાં આવી હતી. આ ટીમે કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેલિફોનિક ઈન્ટરવ્યૂ, સર્વે અને કોરોના વાયરસના દર્દીના પરિવારજનોની તપાસ કરી સતત આ મહામારી સામે કામ કર્યું છે.

કોરોના વાયરસના સંક્રમણના વિશ્લેષણ માટે રાજ્યમાં એક ખાસ દૈનિક ડેટા ક્લેક્શન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે સાથે રહીને નિયમિત સમય પર રિપોર્ટની સમિક્ષા કરવામાં આવતી હતી. પછી આ ડેટાને સરકાર તરફથી શેર કરાયો હતો. WHO ના ફિલ્ડ મોનિટર અજય શ્રીવાસ્તવે કહ્યું કે, કોરોના વાયરસના ભયને કારણે કેટલાક લોકો જાણકારી છુપાવી રહ્યા હતા. એવામાં આરોગ્ય વિભાગની ટીમે લોકજાગૃતિનું અભિયાન શરૂ કર્યું હતું.

national news uttar pradesh world health organization