17 May, 2021 12:15 PM IST | Varansi | Gujarati Mid-day Correspondent
સ્ટ્રૉબેરીની રેલમછેલ: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે લૉકડાઉન ચાલે છે, પરંતુ આ આપિત્તના સમયમાં ખેડૂતોએ સ્ટ્રૉબેરીના પાકને દેશ-વિદેશમાં પહોંચાડવા માટેની તૈયારી કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. કાશ્મીરમાં વાવણીની મોસમ પછી સૌથી પહેલાં સ્ટ્રૉબેરી પાકે છે અને એનું પૅકિંગ શ્રીનગરમાં પૂરજોશમાં ચાલુ છે. ખેડૂતોના મતે આ વખતે સ્ટ્રૉબેરીનો ભરપૂર પાક થયો છે, પરંતુ કોવિડ-19 સંબંધિત નિયંત્રણોને લીધે તેમણે નુકસાન ન ભોગવવું પડે એવી આશા રાખે છે. (તસવીરઃ પી.ટી.આઇ.)
ઉત્તર પ્રદેશના વારાણસી અને કુશીનગરનાં ગામડાંની મહિલાઓ કોવિડ ઇન્ફેક્શનના રોગચાળાને દૈવી પ્રકોપ સમજીને ‘કોરોનામાઈ’ની પૂજા કરે છે. ગઈ કાલે કુશીનગરમાં મહિલાઓએ ‘કોરોનામાઈ’નો પ્રકોપ શાંત પાડવા માટે પૂજા કરવા કતારો લગાવી હતી. વારાણસીમાં ગંગા નદીના ઘાટ પર કોપાયમાન કોરોનાદેવીને ખુશ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
કુશીનગરની અનેક મહિલાઓએ ‘કોરોનામાઈ’નું ૨૧ દિવસનું વ્રત શરૂ કર્યું છે. આ ઘાતક વિષાણુને રોકવા માટે ધાર્મિક વિધિ-વિધાનનો માર્ગ અપનાવવાનું કોણે કહ્યું? એવા સવાલના જવાબમાં એ મહિલાઓએ કહ્યું હતું કે અમે કોરોનાવાઇરસનો પ્રકોપ ઘટાડવાના પંડિતો-પુરોહિતોએ ચીંધેલા રસ્તે ચાલી રહ્યા છીએ. કોરોનામાઈનો રાજીપો મેળવવા તેમની પૂજા અને પ્રાર્થના માટે કલાકો સુધી કતારોમાં ઊભી રહેતી મહિલાઓ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવતી નથી, પરંતુ દેવીની કૃપા થતાં રોગ નાબૂદ થવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે.