આસારામ સામે રેપની ફરિયાદ દાખલ કરનારી પરિણીત મહિલા રહસ્યમય સંજોગોમાં લાપતા

26 December, 2014 03:23 AM IST  | 

આસારામ સામે રેપની ફરિયાદ દાખલ કરનારી પરિણીત મહિલા રહસ્યમય સંજોગોમાં લાપતા




જાતે બની બેઠેલા ગૉડમૅન આસારામ સામે રેપની ફરિયાદ દાખલ કરી ચૂકેલી ૩૩ વર્ષની વયની એક પરિણીત મહિલા તેના પતિ અને પુત્ર સાથે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

આ વિશેની માહિતી આપતાં સુરતના કામરેજ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે આ મહિલાને રક્ષણ માટે ચાર કૉન્સ્ટેબલ્સ પૂરા પાડ્યા હતા. ૧૪ ડિસેમ્બરે તે મહિલાએ તેના પોલીસ-રક્ષકોને જણાવ્યું હતું કે તે પરિવારજનો સાથે શહેરના અમરોલી વિસ્તારમાં એક લગ્નમાં હાજરી આપવા જઈ રહી છે અને લગ્નમાં તેને પોલીસ- રક્ષણની જરૂર નથી.

એ પછી પોલીસ-રક્ષકો મહિલાના ઘરની બહાર ચોકી કરતા રહ્યા હતા, પણ તે મહિલા, તેનો પતિ કે પુત્ર ત્રણમાંથી કોઈ પાછું ફર્યું નથી. એને પગલે ૧૮ ડિસેમ્બરના રોજ પોલીસે એ ત્રણેય ગુમ થયા હોવાની ફરિયાદ નોંધી હતી.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ દિવસે અમરોલીમાં તે પરિણીતાના એકેય સગાંસંબંધીનાં લગ્ન ન હતાં. મહિલાનો મોબાઇલ ફોન પણ સ્વિચ્ડ ઑફ્ફ હોવાથી તેને શોધવાનું મુશ્કેલ બન્યું છે.

ગુમ થતાં પહેલાં મહિલાએ અદાલતમાં એક અરજી કરીને જણાવ્યું હતું કે આસારામ સામેના કેસમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમક્રમાંક ૧૬૪ હેઠળ નોંધાવેલા નિવેદનમાં પોતે ફેરફાર કરવા ઇચ્છે છે. જોકે ગાંધીનગરમાંની અદાલતે તે મહિલાની અરજીનો સોમવારે અસ્વીકાર કર્યો હતો.

આ મહિલાએ ગયા વર્ષે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમદાવાદસ્થિત આસારામના આશ્રમમાં નિવાસ દરમ્યાન ૧૯૯૭થી ૨૦૦૬ વચ્ચે ગૉડમૅને મારા પર રેપ કર્યો હતો. આ મહિલાની નાની બહેને એક અલગ ફરિયાદ દાખલ કરીને આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે ૨૦૦૨થી ૨૦૦૫ સુધી તેના સુરત આશ્રમમાં નિવાસ દરમ્યાન વારંવાર રેપ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.