મહિલાને અર્ધનગ્ન કરી ગધેડા પર બેસાડી સરઘસ કાઢ્યું

11 November, 2014 03:45 AM IST  | 

મહિલાને અર્ધનગ્ન કરી ગધેડા પર બેસાડી સરઘસ કાઢ્યું


રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં ખાપ પંચાયતના સભ્યોએ એક મહિલાને અર્ધનગ્ન કરીને તેના મોઢા પર મેશ લગાડી હતી, પછી તેને ગધેડા પર બેસાડીને સરઘસ કાઢ્યું હતું.

થુરવલ ગામમાં આ મહિલાના ભત્રીજા વરદી સિંહનું બીજી નવેમ્બરે મોત થયું હતું. ગામના લોકોએ પોલીસને જણાવ્યા વિના વરદીના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા એટલે વરદીના મોતનું કારણ જાણી શકાયું ન હતું. વરદીની પત્નીએ શંકા વ્યક્ત કરી હતી કે તેના પતિને તેની કાકીએ જ મારી નાખ્યો હતો.

વરદીની વિધવાએ કરેલી ફરિયાદના નિરાકરણ માટે ગયા શનિવારે સાંજે પંચાયત યોજવામાં આવી હતી અને એમાં વરદીની કાકીને આરોપી માની લેવામાં આવી હતી. એ પછી પંચાયતના સભ્યોએ તે મહિલાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં. તેના મોં પર મેશ ચોપડી હતી અને એવી જ અવસ્થામાં ગધેડા પર બેસાડીને એક કલાક સુધી ગામમાં ફેરવી હતી.

એ પછી પીડિત મહિલાના પતિ ઉદય સિંહે ફરિયાદ નોંધાવી હતી અને રવિવારે પોલીસે કુલ ૩૯ લોકોની ધરપકડ કરી હતી. અત્યંત ગભરાયેલી ૪૫ વર્ષની વયની પીડિત મહિલાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે.