Delhi: ઘરને ગેસ ચેમ્બરમાં ફેરવી મહિલાએ બે પુત્રીઓ સાથે ભયાનક રીતે કરી આત્મહત્યા

22 May, 2022 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફ્લેટના તમામ દરવાજા અને બારીઓ પોલીથીનથી બંધ કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

શનિવારે રાત્રે દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક મહિલાએ તેની બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 50 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરવા માટે ફ્લેટમાં એક સગડી સળગાવી અને તેને ગેસ ચેમ્બરમાં ફેરવી દીધી. પોલીસને રૂમમાંથી ઘણી સુસાઈડ નોટ પણ મળી આવી છે.

ફ્લેટના તમામ દરવાજા અને બારીઓ પોલીથીનથી બંધ કરવામાં આવ્યા હતા અને સિલિન્ડરની નોબ ખુલ્લી હતી. નજીકમાં સળગતી સગડી પણ મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે કોલસાના ધુમાડાને કારણે રૂમમાં ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ સર્જાયો હતો અને ત્રણેયના શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતક મહિલાની ઓળખ અંજુ તરીકે થઈ છે. તે લાંબા સમયથી બીમાર હતી અને પથારીમાંથી ઊઠી પણ શકતી નહોતી.

સુસાઈડ નોટમાં લખ્યું - રૂમમાં ઘાતક ગેસ ભરાયેલો છે

સ્થળ પરથી મળેલી એક સુસાઈડ નોટમાં ફ્લેટમાં પ્રવેશતા લોકો માટે સૂચના લખવામાં આવી હતી. તેમાં લખ્યું હતું “રૂમ ખૂબ જ ઘાતક કાર્બન મોનોક્સાઇડ ગેસથી ભરેલો છે, તે જ્વલનશીલ છે. મહેરબાની કરીને બારી ખોલીને અને પંખો ચાલી કરી રૂમમાં હવાની અવરજવર કરો. માચીશ, મીણબત્તીઓ અથવા કંઈપણ પ્રગટાવો નહીં. પડદો હટાવતી વખતે સાવચેત રહો, કારણ કે રૂમ ખતરનાક ગેસથી ભરેલો છે.”

કામવાળી બાઈએ પાડોશીઓને જાણ કરી

અગાઉ ફ્લેટમાં કામ કરતી એક મહિલાના કહેવા પ્રમાણે, અંજુ પૈસાની તંગીને કારણે પરેશાન હતી. અંજુના ઘરે કામ કરતી બાઈ સવારથી ઘણી વખત ફ્લેટ પર ગઈ, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં કે ફોન ઉપાડ્યો નહીં. બાદમાં બાઇએ આ અંગે પાડોશીઓને જાણ કરી.

જ્યારે પડોશીઓએ બારીમાંથી ફ્લેટની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ગેસનો અહેસાસ થયો હતો. પોલીસને શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી.

ગયા વર્ષે પતિનું અવસાન થયું

પાડોશીઓએ પોલીસને જણાવ્યું છે કે મહિલાના પતિનું ગયા વર્ષે કોરોનાથી મૃત્યુ થયું હતું, ત્યારથી આ પરિવાર પરેશાન હતો. પોલીસે જણાવ્યું કે “મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેઓનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું છે કે પછી કોઈ ઝેરી પદાર્થ ખાવાથી થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવશે.”

national news