NEET પેપરલીક કેસની તપાસ હવે CBIના હાથમાં, મોટા ષડ‍્યંત્રના ખુલાસાની શક્યતા

24 June, 2024 08:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બિહારનો રવિ અત્રી છે રાષ્ટ્રવ્યાપી પેપર સૉલ્વર ગૅન્ગનો હેડ અને પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ: તેનો સાથી નેપાલ ભાગી ગયો હોવાની આશંકા

ગઈ કાલે પટનામાં પેપર લીકના આરોપીઓને લઈ જતી પોલીસ.

કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગની નવેસરની ફરિયાદ બાદ હવે નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ - અન્ડર ગ્રેજ્યુએટ (NEET-UG) પરીક્ષાના પેપરલીકની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના હાથમાં સોંપી દેવામાં આવી છે. જે નવો કેસ નોંધવામાં આવ્યો છે એ અજાણ્યા લોકો સામે છે અને એમાં ક્રિમિનલ કોન્સ્પીરસી (ગુનાહિત ષડ્યંત્ર)ની શક્યતા છે. બિહાર સહિત વિવિધ રાજ્યોમાં આ કેસમાં કેટલાક આરોપીની ધરપકડ કરાઈ છે.

કેન્દ્ર સરકાર પેપર લીક થયું હોવાનું માનતી નહોતી, પણ એના એક દિવસ બાદ જ આ કેસ CBIને સોંપવામાં આવ્યો છે. પાંચમી મેએ લેવાયેલી આ પરીક્ષાનાં રિઝલ્ટ ચોથી જૂને જાહેર થયાં હતાં જેમાં મોટાપાયે ગેરરીતિના આરોપ લાગ્યા હતા. દેશભરમાં ૨૪ લાખ સ્ટુડન્ટ્સે આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા લેનારી નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વડાને પાણીચું આપી દેવામાં આવ્યું છે.

બિહારની મુન્નાભાઈ ગૅન્ગ પેપરલીકમાં પણ સામેલ

NEET-UG પરીક્ષાના પેપરલીકની તપાસમાં બિહારમાં સૉલ્વર ગૅન્ગના સભ્યોની ધરપકડ કરાઈ છે. આ ગૅન્ગ પેપર લીક કરે છે અને સાથે-સાથે પરીક્ષામાં પ્રૉક્સી સ્ટુડન્ટ્સ પણ સપ્લાય કરે છે જેઓ બીજા કોઈ પણ સ્ટુડન્ટ વતી પરીક્ષા આપે છે. આવા મુન્નાભાઈઓની બિહારમાં કોઈ કમી નથી. બિહારનો રવિ અત્રી રાષ્ટ્રવ્યાપી પેપર સૉલ્વર ગૅન્ગનો હેડ છે અને પેપરલીકમાં તે માસ્ટરમાઇન્ડ છે. તેની સિન્ડિકેટને સૉલ્વર ગૅન્ગ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પરીક્ષાના એક દિવસ પહેલાં જ લીક કરેલા પેપરને મેળવીને એના જવાબો સાથેની આન્સરશીટ તૈયાર કરે છે અને મોંઘી ફી લઈને સોશ્યલ મીડિયા પ્લૉટફૉર્મ પર સપ્લાય કરે છે. આવું પેપર ખરીદનારાઓને પરીક્ષામાં પાસ થવાની ફુલ ગૅરન્ટી આપવામાં આવે છે. આ ગૅન્ગનો રવિ અત્રી ૨૦૦૭માં રાજસ્થાનના કોટામાં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવા ગયો હતો અને વર્ષોની તૈયારી બાદ તેણે ૨૦૧૨માં પરીક્ષા પાસ કરીને રોહતકમાં ઍડ્મિશન મેળવ્યું હતું. જોકે ચોથા વર્ષમાં જ તેણે ડ્રૉપઆઉટ કર્યું હતું અને એક્ઝામ માફિયાના સંપર્કમાં આવીને સિન્ડિકેટ બનાવી હતી. તેનો સાથી સંજીવ મુખિયા છે જેને પોલીસ શોધી રહી છે. તેનો દીકરો પણ બિહાર પબ્લિક સર્વિસ કમિશનના પેપરલીક કેસમાં પકડાયો હતો. એવું મનાય છે કે મુખિયા નેપાલ ભાગી ગયો છે.

લાતુરમાં બેની અટક
બિહાર અને ઝારખંડમાં પેપરલીકના તાર જોડાયેલા છે ત્યારે મહારાષ્ટ્રના લાતુરમાં પણ બે ટીચરની અટક કરાઈ હતી. જોકે પૂછપરછ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા છે. નાંદેડ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડની ટીમે આ કેસમાં લાતુરના સંજય તુકારામ જાધવ અને જલીલ ઉમરખાન પઠાનને પકડ્યા હતા. તેઓ જિલ્લા પરિષદ સ્કૂલમાં શિક્ષક છે અને લાતુરમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર ધરાવે છે. પૂછપરછ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, પણ ગમે ત્યારે તેમને પાછા બોલાવી શકાય એમ છે.

બિહારમાં થયાં હતાં પેપર લીક
NEET-UG પરીક્ષાનાં પેપર લીક થયાં હોવાની વાતને બિહાર સરકારના ઇકૉનૉમિક ઓફેન્સિસ યુનિટ (EOU)એ પુષ્ટિ આપી છે. તેણે કેન્દ્ર સરકારને મોકલેલાં ૬ પાનાંના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કેસમાં અમે ૧૩ આરોપીની ધરપકડ કરી છે. પાંચમી મેએ પરીક્ષા પૂરી થયા બાદ જ આ કેસમાં તપાસ હાથ ધરાઈ હતી. EOU ટીમના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ એન. એચ. ખાને જણાવ્યું હતું કે અમને મળેલા પુરાવા જણાવે છે કે પેપર લીક થયાં છે. વળી આમાં બિહારના સૉલ્વર ગૅન્ગના લોકો એમાં સામેલ છે.

national news central bureau of investigation india Education Crime News patna