પુનર્વિચાર સુધી રાજદ્રોહના કેસ નોંધશો?

11 May, 2022 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આ સવાલ કરાયો

સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી ઃ રાજદ્રોહના કાયદાને રદ કરવા વિશેની સુનાવણી દરમ્યાન ગઈ કાલે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે કાયદા વિશે પુનઃ વિચાર કરો ત્યાં સુધી કાયદા અંતર્ગત નવા કેસ નોંધશો કે નહીં એ વિશે જવાબ આપો. રાજદ્રોહના કાયદાને રદ કરવાના કેસ વિશે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અમે રાજદ્રોહના કાયદા વિશે ફેરનિરીક્ષણ અને પુનઃવિચાર કરવા માગીએ છીએ. આ દલીલને સ્વીકારતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જ્યાં સુધી તમે પુનઃ વિચાર કરો ત્યાં સુધી રાજદ્રોહના ગુના અંતર્ગત કેસ દાખલ કરશો કે નહીં એ બાબતે સરકારે અમને માહિતી આપવી પડશે.
કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરતાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ આ સંદર્ભે સરકાર પાસેથી સૂચનો લઈને બુધવાર સુધીમાં કોર્ટને જવાબ આપશે.
બેન્ચે જણાવ્યું હતું કે અમને એટલું જાણવામાં રસ છે કે અત્યારે ચાલી રહેલા કેસ વિશે શું કરશો અને ભવિષ્યમાં આ કાયદા હેઠળના કેસ વિશે શું પગલાં લેશો.

national news