શું હવે ગેમિંગ ઇન્ડસ્ટ્રીની ગેમ ઓવર થઈ જશે?

18 May, 2022 09:55 AM IST  |  New Delhi | Agency

ઑનલાઇન ગેમિંગ પર જીએસટીના દર વિશે આજે મહત્ત્વની મીટિંગ, જો ખૂબ જ વધારે ટૅક્સ લાદવામાં આવશે તો ભારતમાંથી મોટા ભાગની ગેમિંગ કંપનીઓનો સફાયો બોલાઈ જવાનું જોખમ

પ્રતીકાત્મક તસવીર

ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખાસ અને નિર્ણાયક પુરવાર થઈ શકે છે. ઑનલાઇન ગેમિંગ પર જીએસટીના દર વિશે ચર્ચા કરવા માટેના પ્રધાનોના એક ગ્રુપની મહત્ત્વની મીટિંગ આજે થવા જઈ રહી છે. નોંધપાત્ર છે કે નાણાં મંત્રાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટના ટૅક્સ રિસર્ચ યુનિટના એક વિવાદાસ્પદ પ્રસ્તાવનો અત્યારે ગેમિંગ ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે જો એનો અમલ થશે તો ભારતમાંથી મોટા ભાગની ગેમિંગ કંપનીઓનો સફાયો બોલાઈ જશે. 
આ ટૅક્સ રિસર્ચ યુનિટે આ ગેમિંગ પ્લૅટફૉર્મ પર કૉન્ટેસ્ટમાં એન્ટ્રી માટે લેવાતી કુલ રકમ પર ૨૮થી ૩૦ ટકા ટૅક્સ લાદવાની ભલામણ કરી છે. અત્યારે ગેમિંગ કંપનીઓ દ્વારા મેળવવામાં આવતી માત્ર પ્લૅટફૉર્મ ફી પર ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. 
ગેમિંગ ઇન્ડસ્ટ્રીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અત્યારે ગેમિંગ પ્લૅટફૉર્મના માર્જિનની રેન્જ ફેન્ટસી સ્પોર્ટ્સને બાદ કરતાં તમામ ફૉર્મેટ્સ માટે પાંચથી દસ ટકા છે. ચેસ, કેરમ, કાર રેસિંગ, ફર્સ્ટ-પર્સન શૂટર વગેરે જેવા ઈ-સ્પોર્ટ્સમાં જો યુઝર દ્વારા ૧૦૦ રૂપિયા ડિપોઝિટ કરવામાં આવે તો ગેમિંગ કંપની એમાંથી આઠ રૂપિયા પોતાની પાસે રાખે છે, જ્યારે બાકીના ૯૨ રૂપિયા તો એ કૉન્ટેસ્ટના વિનરને મળે છે. એ જ રીતે સ્કિલ બેઝ્ડ કાર્ડ ગેમ્ઝ માટે પ્લૅટફૉર્મ્સ યુઝર દ્વારા આપવામાં આવતા દર ૧૦૦ રૂપિયામાંથી પાંચથી દસ રૂપિયાનો ચાર્જ લે છે.’
આ સોર્સે વધુ જણાવ્યું હતું કે ‘માત્ર ફેન્ટસી સ્પોર્ટ્સમાં જ પ્લૅટફૉર્મ્સ યુઝર દ્વારા પૂરા પાડવામાં આવતા દર ૧૦૦ રૂપિયામાંથી લગભગ ૧૫ રૂપિયાનો ચાર્જ લે છે. એટલા માટે જ જો ટૅક્સ રિસર્ચ યુનિટની ભલામણોને સ્વીકારવામાં આવશે તો ફેન્ટસી પ્લૅટફૉર્મ્સને બાદ કરતાં આ ગેમિંગ કંપનીઓએ તેમની રેવન્યુ કરતાં તો બેથી ત્રણ ગણો વધારે જીએસટી ભરવો પડશે.’ 
ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં સીધા કે પરોક્ષ રીતે લાખો લોકોને રોજગારી મળે છે. એ તમામ નાની કંપનીઓ છે. 
હવે તેમનું રોકાણ અને રોજગારીનો સફાયો બોલાઈ જવાનો ખતરો ઊભો થયો છે. 

national news