બ્લૅક મની લાવીને જ જંપીશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

03 November, 2014 03:32 AM IST  | 

બ્લૅક મની લાવીને જ જંપીશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી



આકાશવાણી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે દિવાળીની શુભકામના આપીને સ્વચ્છ ભારત મિશનમાં તેમને થયેલા અનુભવો શૅર કર્યા હતા અને વિદેશની બૅન્કોમાં જમા કરાવવામાં આવેલાં કાળાં નાણાંને પરત લાવવા માટે કટિબદ્ધ હોવાની વાત કરી હતી.

કેટલું ધન છે ખબર નથી

બ્લૅક મની વિશે સુપ્રીમ ર્કોટમાં ચાલી રહેલા કેસમાં સરકારે યુ-ટર્ન લીધો છે એવા આરોપો વચ્ચે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અચાનક કાળાં નાણાં વિશે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘વિદેશોની બૅન્કોમાં જમા થયેલાં કાળાં નાણાંની પાઈએ પાઈ પાછી લાવવામાં આવશે. જ્યાં સુધી કાળાં નાણાંનો સવાલ છે ત્યાં સુધી દેશની જનતા પ્રધાન સેવક પર ભરોસો રાખે. મને ખબર નથી કે કેટલું નાણું ત્યાં જમા છે. કોઈની પાસે સાચો આંકડો નથી, ગત સરકારને પણ ખબર નહોતી અને આપને પણ ખબર નહીં હોય કે કેટલું નાણું વિદેશોની બૅન્કોમાં છે પણ દેશના ગરીબોના એ પૈસા પાછા લાવવામાં આવશે. એ બે રૂપિયા હોય, પાંચ કરોડ રૂપિયા હોય કે કરોડો કે અબજો રૂપિયા હોય, એક-એક પાઈને પાછી લાવવામાં આવશે. બ્લૅક મની પાછા લાવવાનું કામ મારા માટે આર્ટિકલ ઑફ ફેથ સમાન છે. આ માટે થઈ રહેલા પ્રયાસો યોગ્ય દિશામાં છે અને કદાચ એ લાવવાના પ્રયાસની પ્રક્રિયામાં મતભેદ હોઈ શકે પણ લોકશાહીમાં આમ થવું સ્વાભાવિક છે.’

બાળકો માટે સ્કૉલરશિપ


બીજી વાર વડા પ્રધાને આપેલી ‘મન કી બાત’ની સ્પીચ ૨૦ મિનિટની હતી. સ્પેશ્યલી એબલ્ડ બાળકો અને સ્વચ્છતા મિશન વિશે તેમણે એમાં વાત કરી હતી. સ્પેશ્યલી એબલ્ડ બાળકો માટે ૧૦૦૦ સ્કૉલરશિપની પણ તેમણે જાહેરાત કરી હતી. આ સિવાય કેન્દ્રીય વિદ્યાલયો અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં આવાં બાળકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે એક લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

જવાનોને વંદન

૨૩ ઑક્ટોબરે દિવાળીના દિવસે જમ્મુ અને કાશ્મીરમાં જવાનોને મળ્યા એ વિશે બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ અસામાન્ય સંજોગોમાં પણ દેશની રક્ષા કરે છે અને એમને મારાં વંદન છે.

સ્વચ્છતા મિશન

બીજી ઑક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશન વિશે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘કોઈએ એ વિચાર્યું હતું કે આ દેશવ્યાપી ઝુંબેશ બની જશે?  હવે લોકો પણ કચરો ફેંકતાં વિચાર કરે છે. બાળકો પર આ મિશનની સૌથી વધારે અસર પડી છે. ફિલ્મજગતના લોકો, સ્પોર્ટ્સમૅન અને કૉર્પોરેટ જગતના લોકોના માઇન્ડ સેટ પણ બદલાયા છે. પહેલાં બિઝનેસ લીડર્સ મળતા ત્યારે તેઓ વેપારી હિતોની વાત કરતા હતા પણ હવે તેઓ સામાજિક મુદ્દાઓ પર વાત કરે છે.’

હવે ડ્રગ ઍડિક્શન વિશે વાત

આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ વિશે બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘મને એક પત્ર મળ્યો છે એમાં યુવાનોમાં ફેલાઈ રહેલા ડ્રગ્સના વ્યસન વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિશે હું આગામી કાર્યક્રમમાં વાત કરીશ. આ વિષય એવો છે જેના વિશે વાત કરવામાં સીધો સરકાર પર હુમલો થાય છે પણ આપણે ક્યાં સુધી એના વિશે વાત કરવાનું છુપાવીશું? જે લોકો આવા વ્યસનમાંથી મુક્ત થયા હોય અથવા જેણે આવી લત ધરાવતા લોકોને સુધાર્યા હોય તેવા લોકો એમનાં સજેશન્સ મને મોકલી શકે છે. આ માટે તેઓ આકાશવાણીને અથવા મારા સરનામે પત્ર મોકલી શકે છે.’