પૃથ્વીથી ISSનું અંતર માત્ર ૪૦૦ કિલોમીટર, તો ત્યાં સુધી પહોંચવામાં ૨૮ કલાક શા માટે લાગશે?

26 June, 2025 09:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ISS પૃથ્વીથી લગભગ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ ૨૭,૮૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે એટલે કે અવકાશ મથક દર ૯૦ મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા કરી લે છે.

ગઈ કાલે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી લિફ્ટ-ઑફ થયેલું ઍક્સિઓમ-4 મિશન.

પૃથ્વીથી ISSનું અંતર ફક્ત ૪૦૦ કિલોમીટર છે, પરંતુ અવકાશયાન ડ્રૅગનને આ અંતર કાપવા માટે લગભગ ૨૮થી ૨૯ કલાકનો પ્રવાસ કરવો પડશે. આટલા લાંબા પ્રવાસનું કારણ અવકાશયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બચવા અને યોગ્ય ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે ઘણી ગતિ અને ઊર્જાની જરૂર પડશે અને એ જ સમયે અવકાશયાનનું ISS સાથે ડૉકિંગ એક ખૂબ જ ચોક્કસ અને જટિલ પ્રક્રિયા છે જેમાં કોઈ પણ ભૂલ ખતરનાક બની શકે છે. એથી અવકાશયાનને ધીમે-ધીમે ISSની નજીક જવું પડશે જેથી સુરક્ષિત ડૉકિંગ સુનિશ્ચિત થાય. ISS પૃથ્વીથી લગભગ ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ ૨૭,૮૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે એટલે કે અવકાશ મથક દર ૯૦ મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા કરી લે છે. આ સ્પીડને ધ્યાનમાં લઈને પણ ક્રૂ-ડ્રૅગનને એની સ્પીડ જાળવવી પડશે. આથી આટલો સમય લાગશે.

ડ્રૅગન અવકાશયાન શા માટે ખાસ છે?

શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જતું ક્રૂ-ડ્રૅગન અવકાશયાન ખૂબ જ ખાસ છે. આ અવકાશયાન અત્યાર સુધીમાં કુલ ૫૧ મિશન પૂર્ણ કરી ચૂક્યું છે અને હવે એ એના બાવનમા મિશન માટે ઉડાન ભરી ચૂક્યું છે. અગાઉ એ ૪૬ વખત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયું છે અને પૃથ્વી પર પાછા ફર્યા પછી ૩૧ વખત ફરીથી અવકાશમાં ગયું છે. ડ્રૅગન અવકાશયાન એક સમયે ૭ અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષા અને એનાથી આગળ લઈ જવામાં સક્ષમ છે અને એની સૌથી ખાસ વિશેષતા એ છે કે એ માત્ર અવકાશમાં જ નથી જતું, પણ એ પાછું પણ આવે છે અને એનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે.

ડ્રૅગન ડ્રેકો થ્રસ્ટર્સથી સજ્જ છે અને આ થ્રસ્ટર્સ ડ્રૅગનને ભ્રમણકક્ષામાં હોય ત્યારે એની દિશા બદલવાની પણ મંજૂરી આપે છે. આ સાથે એમાં ૮ સુપરડ્રેકો છે જે અવકાશયાનની લૉન્ચ એસ્કેપ સિસ્ટમને શક્તિ આપે છે. એની ઊંચાઈ ૮.૧ મીટર અને ૪ મીટર પહોળું છે. લૉન્ચ સમયે એનો પેલોડ ૬૦૦૦ કિલો વજન ધરાવે છે, જ્યારે એ પૃથ્વી પર પાછું ફરે છે ત્યારે એનું વજન અડધું એટલે કે ૩૦૦૦ કિલો પેલોડ થઈ જાય છે.

international space station nasa indian air force indian space research organisation AXIOM 4 Mission news travel travel news india