Why not India? હવે આ સવાલ પુછાય છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે

20 December, 2020 11:59 AM IST  |  New Delhi | Agencies

Why not India? હવે આ સવાલ પુછાય છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

અસોસિએશન ઑફ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (અસોચેમ)ના કાર્યક્રમને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિમાં વ્યાપક પ્રમાણમાં સુધારો અને દેશના આંતરરાષ્ટ્રીય પ્રભાવમાં વૃદ્ધિનું વર્ણન કર્યું હતું. ગઈ કાલે અસોચેમના સ્થાપના સપ્તાહ નિમિત્તે ‘ભારતની સજ્જતા : પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનવાની દિશામાં આત્મનિર્ભરતાનો રોડમૅપ’ વિષય પર વક્તવ્ય આપતાં ભારતના આર્થિક તથા અન્ય ક્ષેત્રોમાં લાવવામાં આવેલા સુધારા વિશે વડા પ્રધાને જણાવ્યું હતું. દેશના વિકાસમાં ઉદ્યોગોના યોગદાન વિશે પણ વડા પ્રધાને વક્તવ્યમાં જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા મુખ્ય વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે અમારી સરકારે દેશમાં વિવિધ ક્ષેત્રોમાં જે સુધારા આણ્યા છે એ સુધારાને કારણે વૈશ્વિક સ્તરે ભારતની છાપ અને ભારત વિશેના અભિપ્રાયોમાં ઘણો સુધારો થયો છે. આવતાં ૨૭ વર્ષ ભારતની વૈશ્વિક ભૂમિકા ઘડનારા હોવાથી આયોજન માટે અને કાર્યરત થવા માટે આ ઉચિત સમય છે. વિશ્વમાં ભારત વિશે ઘણું હકારાત્મક વાતાવરણ છે. એ વાતાવરણ ૧૩૦ કરોડ ભારતીયોની આશાઓ, આકાંક્ષાઓ અને સ્વપ્નોને કારણે સર્જાયું છે.
વડા પ્રધાને આ પ્રસંગે ‘અસોચેમ એન્ટરપ્રાઇઝ ઑફ ધ સેન્ચુરી અવૉર્ડ’ રતન તાતાને એનાયત કર્યો હતો. રતન તાતાએ તાતા ગ્રુપ વતી એ અવૉર્ડ સ્વીકાર્યો હતો. વડા પ્રધાને રતન તાતાના નેતૃત્વમાં તાતા ગ્રુપના રાષ્ટ્રના વિકાસમાં પ્રદાનને બિરદાવ્યું હતું. રતન તાતાએ અવૉર્ડ બદલ વડા પ્રધાન અને અસોચેમનો આભાર માનતાં કોરોના રોગચાળામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવ્યું હતું.

national news narendra modi