તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા ભણો: 22 રૂમ ખોલવાની અરજી કરનારની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

12 May, 2022 03:10 PM IST  |  Allahbad | Gujarati Mid-day Online Correspondent

જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચ તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી રહી છે

ફાઇલ તસવીર

આગરામાં તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે “પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (પીઆઈએલ) સિસ્ટમનો દુરુપયોગ ન કરો, કાલે તમે આવીને કહેશો કે અમને માનનીય જજની ચેમ્બરમાં જવાની પરવાનગી જોઈએ છે.

જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેંચ તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યું કે “તમે માનો છો કે તાજમહેલ શાહજહાંએ નથી બનાવ્યો? શું આપણે અહીં ચુકાદો આપવા આવ્યા છીએ? જેમ કે તેને કોણે બાંધ્યો અથવા તાજમહેલ કેટલા વર્ષ જૂનો છે?”

હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે “જે વિષયની તમને ખબર નથી તેના પર રિસર્ચ કરો, એમએ કરવા જાઓ, પીએચડી કરો, જો કોઈ સંસ્થા તમને રિસર્ચ કરવા ન દે તો અમારી પાસે આવો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજમહેલના 22 રૂમની માહિતી કોની પાસેથી માગી?”

હાઈકોર્ટના પ્રશ્નના જવાબમાં અરજદારના વકીલે કહ્યું કે “અમે ઓથોરિટી પાસેથી માહિતી માગી છે. તેના પર હાઈકોર્ટે કહ્યું કે “જો તેઓએ કહ્યું છે કે સુરક્ષાના કારણોસર રૂમ બંધ છે તો તે માહિતી છે, જો તમે સંતુષ્ટ ન હોવ તો તેને પડકાર આપો. મહેરબાની કરીને તમે MA કરો પછી NET, JRF માટે જાઓ અને જો કોઈ યુનિવર્સિટી તમને આવા વિષય પર સંશોધન કરવાની મનાઈ કરે તો અમારી પાસે આવો.”

અરજદારે કહ્યું કે “કૃપા કરીને મને તે રૂમમાં જવા દો.” જેના પર હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે “કાલે તમે આવીને અમને માનનીય જજોની ચેમ્બરમાં જવાનું કહેશો? મહેરબાની કરીને પીઆઈએલ સિસ્ટમની મજાક ન કરો, આ અરજી ઘણા દિવસોથી મીડિયામાં ચર્ચામાં છે અને હવે તમે સમય માગી રહ્યા છો?”

national news taj mahal