સોનિયા ગાંધીના જમાઈ સામે તપાસનો આદેશ આપનાર અધિકારીની બદલી

17 October, 2012 05:00 AM IST  | 

સોનિયા ગાંધીના જમાઈ સામે તપાસનો આદેશ આપનાર અધિકારીની બદલી



સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફના જમીન-સોદાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ડીએલએફને અપાયેલી ત્રણ એકર જમીનનો સોદો રદ કરનાર હરિયાણાના પ્રામાણિક આઇએએસ અધિકારી અશોક ખેમકાની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તરીકે ખેમકાએ હરિયાણાના ચાર જિલ્લામાં વાડ્રાના તમામ જમીન-સોદાની તપાસનો આદેશ આપ્યો હતો. ૧૯૯૧ની બૅચના આઇએએસ અધિકારી ખેમકાની તેમની ૨૦ વર્ષની કારકિર્દીમાં આ ૪૩મી વખત બદલી કરવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘દર મહિને બદલી કરી દેવાની ધમકી પણ મને આપવામાં આવી હતી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે અજાણી વ્યક્તિઓ દ્વારા તેમને ફોન પર ધમકી પણ આપવામાં આવતી હતી.

હરિયાણાના માનેસરમાં રૉબર્ટ વાડ્રાએ ૩.૫ એકર જમીન ૫૮ કરોડ રૂપિયામાં ડીએલએફને વેચી હતી. જોકે ખેમકાએ આ સોદો રદ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે વાડ્રા કે તેમની કંપનીના નામે રજિસ્ટર થયેલી પ્રૉપર્ટીની તપાસનો પણ આદેશ આપ્યો હતો. તેમણે આપેલા આદેશમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલે વાડ્રા સામે કરેલા આક્ષેપોની પણ નોંધ લેવામાં આવી હતી. ખેમકાની સક્રિયતાને પગલે હરિયાણાના મુખ્ય પ્રધાન ભૂપીન્દર સિંહ હુડાએ તેમની બદલી કરી હતી.

આ તરફ દિલ્હીમાં કૉન્ગ્રેસે વાડ્રા સામેની તપાસને કારણે ખેમકાની બદલી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે બીજેપીએ આ મુદ્દે કૉન્ગ્રેસની ટીકા કરી હતી. બીજેપીએ કહ્યું હતું કે પ્રામાણિક અધિકારી ખેમકાની બદલી દર્શાવે છે કે કૉન્ગ્રેસ હજી પણ કટોકટીકાળની માનસિકતામાંથી બહાર આવી નથી. 

ડીએલએફ = દિલ્હી લૅન્ડ ઍન્ડ ફાઇનૅન્સ

આઇએએસ = ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ