કોરોના સામેની લડાઈમાં ક્યાં છે યુએન? : મોદી

27 September, 2020 11:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના સામેની લડાઈમાં ક્યાં છે યુએન? : મોદી

નરેન્દ્ર મોદી

ગઈ કાલે યુનાઇટેડ નેશન્સને મહાસભાને એક વિડિયો-કૉન્ફરન્સમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સૂર ગાજી ઊઠ્યો હતો અને ભારતે સ્થાયી સમિતિના કાયમી સભ્ય થવા માટે હજી આ સંસ્થાના નિર્ણયની ક્યાં સુધી રાહ જોવાની છે એવા પ્રશ્નો ઊભા કર્યા હતા.તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આખું વિશ્વ અત્યારે કોવિડ-19 સામે લડી રહ્યું છે ત્યારે આમાં કોઈ જગ્યાએ કેમ યુએન દેખાતું નથી?

અમે કોને હેરાન કરીએ છીએ?

પાવરફુલ અને સવાલોના મારાથી શરૂઆત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘અમે ક્યાં નબળા છીએ? અમે વિશ્વમાં કોને હેરાન કરીએ છીએ? હવે અમે મજબૂત બન્યા છીએ તો શું દુનિયા પર બોજ છીએ? અમારે ક્યાં સુધી તમારા નિર્ણયની રાહ જોવાની? યુએનના શાંતિ મિશન માટે અમે અમારા સોલ્જર મોકલ્યા અને સૌથી વધારે અમારા સોલ્જર શહીદ થયા.’

અમારી અને યુએનની વિચારધારા સમાન પોતાનું વક્તવ્ય આગળ વધારતાં મોદીએ કહ્યું કે ‘યુનાઇટેડ નેશન્સ અને ભારતની વિચારધારા એકસરખી છે. બન્ને દેશ વસુદેવ કુટુંબકમમાં વિશ્વાસ રાખે છે અને આ મંત્ર યુએનના હૉલમાં ઘણી વાર ગાજ્યો છે. ભારતે હંમેશાં વિશ્વની સુરક્ષાની જ વાતો કરી છે. બદલાવ લાવવા જરૂરી છે અને યુનાઇટેડ નેશન્સ અને ભારત એ બદલાવનો અમલ જલદીથી જોવાની આશા રાખે છે.’

ઇમરાનના ભાષણનો બહિષ્કાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય બેઠકમાં ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઉછાળીને અણુયુદ્ધની ધમકી આપતાં ભારતીય પ્રતિનિધિમંડળે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ઇમરાન ખાને
જમ્મુ-કાશ્મીરમાં લોકમત લેવાના ઠરાવની યાદ અપાવી હતી. વિડિયો-કૉન્ફરન્સ દ્વારા સંબોધતાં ઇમરાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના દમનના કારણે હિંસાની પરિસ્થિતિ ઉદ્ભવી છે.

અવળચંડાઈ કરી તો ફાયરિંગ કરતા અચકાશું નહીં: ભારતે ચીનને કહ્યું

ચીન એ વાત સ્વીકારવા તૈયાર નથી કે લદ્દાખ લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ ખાતે તેણે જ કરારનો ભંગ કર્યો છે. ચીન સ્વીકારતું નથી, માટે પાછું ખસવા તૈયાર નથી. ગમે તેટલી વાટાઘાટો થાય અને વાટાઘાટો પછી ગમે તેટલા આશ્વાસનો અપાય, સરહદ પર સૈન્ય જમાવડામાં કશો ફરક પડતો નથી. વધુમાં હવે ભારતીય સૈન્યને ચીની સૈનિકો પર જરાય ભરોસો નથી રહ્યો, માટે ભારતે ચીનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે જો તમારા સૈનિકો દ્વારા કોઈ અવળચંડાઈ કરવામાં આવશે તો હવે અમે ફાયરિંગ કરતાં પણ અચકાઈશું નહીં.

national news narendra modi united nations