મહારાષ્ટ્રમાં હવે શું થશે?

09 November, 2019 07:37 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં હવે શું થશે?

દેવેન્દ્ર ફડણવીસ(તસવીર સૌજન્યઃPTI)

મહારાષ્ટ્રમાં આગામી સરકાર બનાવવા માટે મહાયુતિના બે મુખ્ય પક્ષો બીજેપી અને શિવસેના વચ્ચેની મડાગાંઠ ઉકેલી ન શકાતાં આજે સરકારની પાંચ વર્ષની ટર્મ પૂરી થતાં પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને ૨૮૮માંથી ૧૬૧ બેઠકો પર વિજયી બનાવીને એને સત્તાની દોર સોંપી હતી. ફિફ્ટી-ફિફ્ટી ફૉર્મ્યુલાના મુદ્દે બન્ને પક્ષમાં છેલ્લે સુધી સમજૂતી ન થઈ શકતાં આજની સ્થિતિ ઊભી થઈ હતી. અત્યારની પરિસ્થિતિમાં રાજ્યપાલ જો રાષ્ટ્રપતિશાસન લાદે તોય એનો લાભ બીજેપીને મળે. બીજી શક્યતા એ છે કે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે. અત્યારે તો દેવેન્દ્ર ફડણવીસ રખેવાળ મુખ્ય પ્રધાન છે. જોકે રાજીનામું આપ્યા પછી ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સામે અને ઉદ્ધવે ફડણવીસ સામે જે પ્રકારના આક્ષેપ કર્યા એના પરથી એક વાત સ્પષ્ટ છે કે ત્રણ દાયકા જૂની બીજેપી-શિવસેનાની યુતિનું ભાવિ ડામાડોળ છે. અલબત્ત, હાલ તો સૌને એક જ પ્રશ્ન છે, ‘હવે શું?’
મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ હાલમાં છે એમાં કોઈ પણ રાજ્યમાં સીધું રાષ્ટ્રપતિશાસન લદાતું નથી એટલે રાજ્યપાલ જ્યાં સુધી રાજ્યમાં નવી સરકાર ન રચાય કે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિશાસન લાદવામાં ન આવે ત્યાં સુધી મોટા ભાગે સૌથી વધુ બેઠક મેળવનાર પક્ષના નેતાને કૅર ટેકર મુખ્ય પ્રધાન તરીકે રાજ્યની જવાબદારી સોંપે છે.
દેવેન્દ્ર ફડણવીસે સરકાર ન બનાવી શકવા માટે શિવસેનાની હઠને જવાબદાર ગણાવી છે તો ઉદ્ધવ ઠાકરેએ બીજેપીના વરિષ્ઠ નેતાઓ સહિત દેવેન્દ્ર ફડણવીસે વચન ન પાળવાનો આરોપ મૂક્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તો ત્યાં સુધી કહ્યું છે કે બીજેપી સાથે કે અન્યો સાથે સરકાર બનશે તો મહારાષ્ટ્રમાં આગામી મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ રહેશે.
ઉદ્ધવ ઠાકરેના આવા વલણને બીજેપી કેવી રીતે જુએ છે અને ભવિષ્યમાં શું નિર્ણય લેશે એના પર રાજ્યની રાજનીતિની દિશા નક્કી થશે.

devendra fadnavis uddhav thackeray