ઉત્તર પ્રદેશના ૩૦૦ વર્ષ પુરાણા શિવ મંદિરમાં ભગવાન નરેન્દ્ર મોદીની મૂર્તિ

23 December, 2014 03:23 AM IST  | 

ઉત્તર પ્રદેશના ૩૦૦ વર્ષ પુરાણા શિવ મંદિરમાં ભગવાન નરેન્દ્ર મોદીની મૂર્તિ






ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાના ભગવાનપુર ગામમાં આવેલા ૩૦૦ વર્ષ પુરાણા શિવ મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિની સ્થાપના બાદ ભગવાનપુર અને મંદિર બન્ને ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

નમો-નમો મંદિર

વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા વ્રજેન્દ્ર નારાયણ મિશ્રાએ શિવલિંગની બાજુમાં નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરાવી છે. વ્રજેન્દ્ર નારાયણ મિશ્રા આ મંદિરના પૂજારી પણ છે. અત્યાર સુધી શિવ મંદિરના નામે જાણીતા આ મંદિરનું નામ હવે નમો-નમો મંદિર રાખવામાં આવ્યું છે અને મંદિરના ગેટની સામેના એક ર્બોડ પર આ નામ લખવામાં આવ્યું છે.

ચૂંટણી પહેલાં સ્થાપના

વ્રજેન્દ્ર નારાયણ મિશ્રાએ આ વર્ષે જાન્યુઆરીમાં લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની બેઠેલા સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરી હતી. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એવા હેતુસર શિવજીને પ્રાર્થના કરવાના આશય સાથે આ કામ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટર ઑફ પૅરિસની બનેલી આ મૂર્તિને ધ્યાનથી નિહાળીએ ત્યારે જ ખબર પડે છે કે એ નરેન્દ્ર મોદીની મૂર્તિ છે.

શિવજીના આશીર્વાદ

૫૦૦ પરિવારોની વસ્તી ધરાવતા ભગવાનપુર ગામના સ્થાનિક લોકોએ આ કામને ચમચાગીરીની પરાકાષ્ઠા ગણાવીને મંદિરે આવવાનું બંધ કરી દીધું હતું, પણ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી એ પછી લોકોએ મંદિરે જવાનું ફરી શરૂ કર્યું હતું. નરેન્દ્ર મોદી માટે માગવામાં આવેલા આશીર્વાદ શિવજીએ આપ્યા હોવાનું હવે લોકો માનવામા માંડ્યા છે.

પૂર્ણાહુતિ અનુષ્ઠાન


પોતાની પ્રાર્થના સિદ્ધિની વાત કરતાં વ્રજેન્દ્ર નારાયણ મિશ્રાએ કહ્યું હતું કે ‘મારી પ્રાર્થના તો શિવજીએ સ્વીકારી લીધી છે. હવે નરેન્દ્ર મોદી પૂર્ણાહુતિ અનુષ્ઠાન માટે અહીં આવે એવું અમે ઇચ્છીએ છીએ.’

વડા પ્રધાનની આરતી

હવે તો ગામના લોકો નરેન્દ્ર મોદીનાં ગુણગાન કરતી અને વ્રજેન્દ્ર નારાયણ મિશ્રાએ લખેલી આરતી પણ ગાતા થયા છે. ૨૦૦ શબ્દોની એ આરતીની શરૂઆતમાં લખ્યું છે કે ‘જય મોદી રાજા, તેરે નામ કા દેશ મેં ડંકા બાજા.’