CBIને સોંપાયેલા હાથરસ કેસના પરિવાર સાથે રાહુલ-પ્રિયંકાએ શું વાત કરી?

04 October, 2020 10:34 AM IST  |  Mumbai | Agencies

CBIને સોંપાયેલા હાથરસ કેસના પરિવાર સાથે રાહુલ-પ્રિયંકાએ શું વાત કરી?

ગઈ કાલે કાર્યકર્તાઓ સાથે ઉત્તર પ્રદેશના હાથરસમાં જવા માંગતા રાહુલ અને પ્રિયંકા ગાંધીને પોલીસે અટકાવ્યા હતા જો કે ત્યાર બાદ તેઓ પરિવારને મળ્યા હતા. (ઇન્સેટમાં) તસવીર : પી.ટી.આઇ.

દિલ્હી-ઉત્તર પ્રદેશની બૉર્ડર પર હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ કૉન્ગ્રેસનાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રાએ હાથરસ ગૅન્ગરેપની શિકાર મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી હતી જે લગભગ ૫૦ મિનિટ ચાલી હતી. આ કેસમાં ગઈ કાલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ પૂરી કરી હોવાની જાણકારી આપ્યા બાદ ગામમાં મીડિયા સહિત અનેક નાગરિકોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ગામબહાર બે દિવસથી લાગેલાં બૅરિકેડ્સ ગઈ કાલે હટાવી લેવામાં આવ્યાં હતાં અને આ પહેલાં ગામથી ૧૮૦ કિલોમીટર દૂર પોલીસે કૉન્ગ્રેસ નેતાઓને અટકાવી દીધા હતા. આખરે કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ કરેલી નારાબાજી બાદ ગૌતમ બુદ્ધ નગર પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાંચ જણને હાથરસ જવાની પરવાનગી આપી હતી. ગુરુવારે રાહુલ અને પ્રિયંકા ગાંધીને ગામમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવ્યાં હતા. આ બધા ડ્રામા વચ્ચે યોગી આદિત્યનાથે ગઈ કાલે મોડી સાંજે હાથરસની ગૅન્ગરેપ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે ગામમાં પરવાનગી આપ્યા બાદ રાજનેતાઓ પીડિતાના પરિવારજનોની આપવીતી સાંભળવા પહોંચી ગયા હતા.

હવે મીડિયાને પણ એન્ટ્રી

ગઈ કાલે હાથરસના ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસરે જણાવ્યું હતું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ૧૯ વર્ષની દલિત મહિલાના કથિત ગૅન્ગરેપના આ કેસમાં તપાસ પૂરી કરી લીધી છે, જેના બાદ ગામડામાં પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. એસ‌આઇટીની તપાસ દરમ્યાન રાજનેતા અને બહારની વ્યક્તિઓને પીડિતાના પરિવારજનો સાથે મળવાની અનુમતિ આપવામાં નહોતી આવી. જોઇન્ટ મૅજિસ્ટ્રેટ પ્રેમપ્રકાશ મીનાએ ગામડામાં મીડિયાના પ્રવેશને અનુમતિ આપી હતી. આ ઉપરાંત તેમણે એ દાવાને નકારી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતાના પરિવારજનોને સૌ કોઈથી અલગ રાખવામાં આવી રહ્યા છે અને તેમના ફોન પણ જપ્ત કરી લેવાયાં છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે ત્રણ સભ્યોની એસઆઇટી ટીમ આ કેસમાં તપાસ કરશે અને ૧૪ ઑકટોબર સુધી પોતાનો રિપોર્ટ કરશે.

સ્મૃતિને અટકાવ્યાં કૉન્ગ્રેસી કાર્યકરોએ

હાથરસમાં ૧૯ વર્ષીય દલિત મહિલા સાથે થયેલા દુષ્કર્મ બાદ વારાણસીમાં કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો માર્ગ રોક્યો હતો અને સરકાર વિરોધી નારા લગાવી પીડિત મહિલાના પરિવારને ન્યાય અપાવવા માગણી કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા લલન કુમારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી. કૉન્ગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.

બીજેપીના નેતા કહે છે, રેપનો શિકાર છોકરીની તેના ભાઈ-માતાએ જ હત્યા કરી

હાથરસ કેસ મામલે એક તરફ પોલીસ તંત્રથી લઈને રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે ત્યારે બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજવીર સિંહ પહેલવાને પીડિતાનાં ભાઈ અને માતાએ જ તેની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે. તેમના મતે ચારેય આરોપીઓ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
સાથે જ હાથરસના સંસદસભ્ય રાજવીર સિંહ દિલેર વિશે તેમણે કહ્યું કે તેમને જનતા બોધપાઠ ભણાવશે. ઉલ્લેખનીય છે કે આરોપી ઠાકુર સમુદાયના છે અને રાજવીર સિંહ પહેલવાન પણ ઠાકુર છે. રાજવીર સિંહે સમગ્ર મામલામાં જ્ઞાતિવાદી રાજકારણ રમાયું હોવાનું અને સરકાર વિરુદ્ધ ષડ્યંત્ર રચાયું હોવાનું જણાવ્યું હતું.
રાજવીરના જણાવ્યા પ્રમાણે આખો મામલો મારઝૂડનો હતો. જો આ આરોપસર ચારેય યુવકો પર એફઆઇઆર થયો હોય તો કશો વાંધો ન હતો. જોકે ગૅન્ગરેપના આરોપ અને ધરપકડ બાદ ગામના લોકોમાં રોષ છે.

હવે યુપીના બલિયામાં ૧૫ વર્ષની છોકરી પર બળાત્કાર

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સિકંદરપુર પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષની છોકરી પર બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે એ ગુનાના આરોપી ૨૩ વર્ષના આસિફની ધરપકડ કરી હતી. સિકંદરપુરના સ્ટેશન હાઉસ ઑફિસર (SHO)એ જણાવ્યું હતું કે ‘ગયા બુધવારે આસિફ તે ટીનેજર કન્યાનું અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તે ટીનેજર કન્યાને તબીબી તપાસ માટે ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.’    

national news rahul gandhi priyanka gandhi uttar pradesh Crime News