જાણો ઍરફોર્સના અગ્નિવીરોને કયા કયા લાભ મળશે?

20 June, 2022 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અગ્નિવીરોની ભરતી માટે ૨૪ જૂનથી પ્રક્રિયા શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ઇન્ડિયન ઍરફોર્સે અગ્નિપથ રિક્રૂટમેન્ટ યોજનાની વિગતો ગઈ કાલે જાહેર કરી હતી. અગ્નિવીરોની ભરતી માટે ૨૪ જૂનથી પ્રક્રિયા શરૂ થશે.
૧) ઍરફોર્સના અગ્નિવીરોની સર્વિસ દરમ્યાન તેમના યુનિફૉર્મ પર એક ચોક્કસ ચિહ્‍ન રહેશે. જે તેમની એક ચોક્કસ ઓળખ સ્થાપિત કરશે.
૨) અગ્નિવીરો સન્માન અને અવૉર્ડ્સના હકદાર હશે.
૩) ઍરફોર્સ અગ્નિવીરોના સેન્ટ્રલાઇઝ હાઈ-ક્વૉલિટી ઑનલાઇન ડેટા બેઝને મેઇન્ટેન રાખશે. ટેક્નૉ અગ્નિવીરો દ્વારા હાંસલ કરવામાં આવેલી સ્કિલ્સનો રેકૉર્ડ રાખવામાં આવશે અને એનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
૪) ઍરફોર્સના અગ્નિવીરોને દર વર્ષે ૩૦ રજા તેમ જ ડૉક્ટરની સલાહ મુજબ અન્ય સિક-લીવ મળશે.
૫) અગ્નિવીરોને ચાર વર્ષ પૂરાં થતાં પહેલાં તેમની પોતાની વિનંતી પર મુક્ત નહીં કરાય, સિવાય કે સક્ષમ ઑથોરિટી દ્વારા અસાધારણ કેસમાં મંજૂરી આપવામાં આવે.
૬) આ યોજના હેઠળ અગ્નિવીરોને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે તેમ જ દર વર્ષે ફિક્સ ઇન્ક્રીમેન્ટ મળશે. એના સિવાય રિસ્ક, મુશ્કેલીઓ, ડ્રેસ અને ટ્રાવેલ અલાઉન્સ આપવામાં આવશે.
૭) એક સમર્પિત અગ્નિવીર કૉર્પસ ફન્ડ સર્જવામાં આવશે. દરેક અગ્નિવીર આ ફન્ડમાં તેની ૩૦ ટકા ઇન્કમનું યોગદાન આપશે. સરકાર એના પર પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડને સમકક્ષ વ્યાજ આપશે.
૮) ચાર વર્ષ બાદ અગ્નિવીરો સેવા નિધિ પૅકેજ મેળવવાને પાત્ર રહેશે. જે કૉર્પસ ફન્ડમાં તેમના દર મહિનાના યોગદાનની રકમ વત્તા વ્યાજ સાથે સરકારના યોગદાન સહિતની કુલ રકમ રહેશે. જેના પર ઇન્કમ ટૅક્સમાંથી મુક્તિ મળશે.
૯) જો અગ્નિવીરો તેમની પોતાની વિનંતી પર ચાર વર્ષની સર્વિસ પહેલાં જ જતા રહેશે તો તેમને સેવા નિધિ પૅકેજમાંથી તેમનું પોતાનું યોગદાન જ મળશે.  
૧૦) અગ્નિવીરોને તેમની સર્વિસ દરમ્યાન ૪૮ લાખ રૂપિયાનું લાઇફ ઇન્શ્યૉરન્સ કવર પણ પૂરું પાડવામાં આવશે.
૧૧) અગ્નિવીરોને પાકિસ્તાન અને ચીનની સરહદે પણ તહેનાત કરાશે.

national news