સ્વચ્છ ભારત મિશનના પહેલા જ દિવસે રેલવેએ સપાટો બોલાવી દીધો

04 October, 2014 03:59 AM IST  | 

સ્વચ્છ ભારત મિશનના પહેલા જ દિવસે રેલવેએ સપાટો બોલાવી દીધો


ગાંધીજયંતીના અવસરે ગુરુવારે દેશવ્યાપી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સહિતના મિનિસ્ટરો હાથમાં ઝાડુ લઈને સફાઈ માટે ઊતર્યા હતા. કેટલાક મિનિસ્ટરો રેલવેના પરિસરોમાં સ્વચ્છતાનું ચેકિંગ કરવા અને પ્લૅટફૉર્મની સાફસફાઈ માટે પણ નીકળ્યા હતા. આ રીતે રેલવેના અધિકારીઓએ પણ પોતાની ક્લીન-અપ ડ્રાઇવ ચાલુ રાખી હતી અને કેટલાય પ્રવાસીઓને સ્ટેશનના પરિસરમાં થૂંકવા અને ગંદકી કરવાના મામલે દંડ કર્યો હતો.

મુંબઈ લોકલ રેલવે નેટવર્કમાં વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બીજી ઑક્ટોબરે સ્વચ્છ ભારત મિશન લૉન્ચ કરવામાં આવ્યું એ દિવસે રેલવેના ગ્રાઉન્ડ સ્ટાફે રેલવેના પરિસરોમાં ગંદકી કરતા ૬૯૨ લોકોને પકડ્યા હતા અને નિયમભંગ પ્રમાણે તેમની પાસેથી કુલ ૪૮,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સંબંધે વેસ્ટર્ન રેલવેના મુંબઈના ડિવિઝનલ મૅનેજર શૈલેન્દ્ર કુમારે કહ્યું હતું કે આવા કેસમાં અમે લોકોને દંડ ફટકારવા કરતાં વધુ તો સ્વચ્છતા વિશે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ એ મહkવનું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેના અધિકારીઓએ રેલવેના પરિસરો અને પ્લૅટફૉર્મ પર કાગળો, રૅપર્સ અને ખાણી-પીણીની વસ્તુઓ ફેંકવા ઉપરાંત થૂંકવાના કેસોમાં કેટલાય લોકોને દંડ કર્યો હતો.

આ ઉપરાંત શહેરનાં તમામ રેલવે-સ્ટેશનો પરનો સ્ટાફ સાફસફાઈ કરતો પણ જોવા મળ્યો હતો. અધિકારીઓના દાવા પ્રમાણે મુંબઈના સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનોએ મળીને નવ હજાર જેટલાં ઝાડુનો ઉપયોગ આ કામ માટે કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસોથી રેલવે-સ્ટેશનોની દીવાલો પર સ્વીપરો પાનની પિચકારીઓના ડાઘ અને અન્ય ગંદકી દૂર કરવાની મહેનત કરી રહ્યા છે. હવે આ સ્ટાફે રેલવેના પરિસરમાં ગંદકી કરતા લોકો માટે દંડની રકમમાં વધારો કરવાની માગણી પણ કરી છે.