મતગણતરી પહેલાં મમતા બૅનરજી પહોંચ્યાં સુપ્રીમ કોર્ટ

02 May, 2026 10:45 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કાઉન્ટિંગ સુપરવાઇઝરના વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટની બેન્ચ કરશે સુનાવણી

ભવાનીપુરા કાઉન્ટિંગ સેન્ટર પાસે મીડિયાને સંબોધી રહેલાં મમતા બૅનરજી

પ‌શ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થાય એ પહેલાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી કલકત્તા હાઈ કોર્ટના એક આદેશ વિરુદ્ધ કરવામાં આવી છે. મતગણતરીની પ્રક્રિયા દરમ્યાન માત્ર કેન્દ્ર સરકાર અને સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓને જ કાઉન્ટિંગ સુપરવાઇઝર અને અસિસ્ટન્ટ તરીકે તહેનાત કરવાના નિર્ણય સામે TMCએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કલકત્તા હાઈ કોર્ટે એને નકારી કાઢ્યો હતો. કલકત્તા હાઈ કોર્ટના આ નિર્ણયને TMCએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને તાત્કાલિક સુનવણીની માગણી કરતાં કહ્યું હતું કે રાજ્યમાં મતગણતરી સોમવારે સવારે શરૂ થવાની છે ત્યારે જો જલદીથી સુનાવણી નહીં થાય તો અરજીનો કોઈ મતલબ નહીં રહે.

કલકત્તા હાઈ કોર્ટે શું કહ્યું હતું?

કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ અસિસ્ટન્ટની નિયુક્તિ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાંથી કોની પાસેથી કરાવવી એ નક્કી કરવાનો વિશેષાધિકાર ચૂંટણીપંચ પાસે છે ત્યારે ચૂંટણીપંચે કેન્દ્ર સરકાર કે કેન્દ્રીય પબ્લિક સેક્ટરના કર્મચારીઓની નિયુક્તિ કરે એમાં કોર્ટને કાંઈ ગેરકાનૂની નથી જણાતું.

પશ્ચિમ બંગાળમાં ૧૫ ઇલેક્શન-બૂથ પર આજે બીજી વાર થશે મતદાન

પશ્ચિમ બંગાળમાં ૨૯ એપ્રિલે થયેલા બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણીપંચને કુલ ૭૭ મતદાન-બૂથો પર ગેરરીતિ થયાની ફરિયાદ મળી હતી. એમાં કેટલીક જગ્યાએ EVM સાથે છેડછાડ થયાની ફરિયાદો પણ હતી. આ ઘટનાઓ પર સખત વલણ દાખવીને ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની બે વિધાનસભા બેઠકો મગરહાટ પશ્ચિમ અને ડાયમન્ડ હાર્બરના ૧૫ પોલિંગ-બૂથો પર આજે ફરી પાછું મતદાન કરાવવાનો આદેશ કર્યો છે. આદેશ અનુસાર સવારે ૭થી સાંજે ૬ વાગ્યા વચ્ચે મતદાન થશે. 

west bengal assembly elections trinamool congress mamata banerjee election commission of india national news news