પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષની ખુલ્લેઆમ ધમકી

10 November, 2020 05:08 PM IST  |  Mumbai | Mumbai correspondent

પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષની ખુલ્લેઆમ ધમકી

મમતા બેનર્જી (ફાઇલ ફોટો)

પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે કાર્યકર્તાઓને સંબોધિત કરીને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના સમર્થકોને ખુલ્લેઆમ હાડકાં-પાંસળાં તોડવાની ધમકી આપી છે. એક કાર્યક્રમ દરમિયાન દિલીપ ઘોષે કહ્યુ, ’હું ઉત્પાત મચાવનનાર મમતાદીદીના લોકોને કહેવા માગું છું કે તેમની પાસે છ મહિનાનો સમય છે, ખુદને સુધારી લે. નહીંતર તેમના હાથ, માથું અને પાંસળીઓ તોડી નાખવામાં આવશે. તમારે લોકોએ ઘરે જતા પહેલાં હૉસ્પિટલ જવું પડશે.’
દિલીપ ઘોષે માત્ર આટલું જ નથી કહ્યું, પરંતુ તેમણે આગળ પણ કહ્યું કે ‘તેમ છતાં આ લોકોએ જો વધુ ઉત્પાત મચાવ્યો તો તેમને સ્મશાન ગૃહમાં મોકલી દેવામાં આવશે.’ દિલીપ ઘોષે આ નિવેદન રવિવારે હલ્દિયામાં એક જનસભાને સંબોધિત કરીને આપ્યું હતું. આ નિવેદનનો વિડિયો ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આખા પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજી ‘દીદી’ના નામથી ઓળખાય છે.
દિલીપ ઘોષે કહ્યું કે આવતી વિધાનસભા ચૂંટણીમાં દીદીની પોલીસ બેસી રહેશે અને દાદાની પોલીસ પોતાનું કામ કરશે. રાજ્ય પોલીસને બૂથથી ૧૦૦ મીટરના અંતરે એક વૃક્ષ નીચે બેસાડી દેવામાં આવશે અને ત્યાં બેસીને માત્ર મતદાન જોશે. દિલીપ ઘોષનું આ નિવેદન એવા સમયમાં આવ્યું જ્યારે અમિત શાહ બે દિવસ પહેલાં પાંચ અને છ તારીખે પશ્ચિમ બંગાળના પ્રવાસે આવ્યા હતા.

national news mamata banerjee bharatiya janata party