બુધવારે ત્રણ દાયકામાં સૌથી વધારે ઠંડી ડિસેમ્બરની રાત

28 December, 2018 07:50 AM IST  | 

બુધવારે ત્રણ દાયકામાં સૌથી વધારે ઠંડી ડિસેમ્બરની રાત

તળાવો, નદીઓ અને જળાશયો થીજી ગયા

સમગ્ર ઉત્તર ભારતમાં જબ્બર શીતલહરના વાતાવરણમાં કાશ્મીરમાં નદીઓ અને જળાશયો થીજી ગયાં છે. લઘુતમ ઉષ્ણતામાનના માઇનસ ૭.૬ ડિગ્રી સેલ્સિયસના આંકડા સાથે શ્રીનગરમાં ત્રણ દાયકામાં ડિસેમ્બરની સૌથી ઠંડી રાત બુધવારની રાત હતી. અગાઉ ૧૯૯૦ની ૭ ડિસેમ્બરે શ્રીનગરમાં માઇનસ ૮.૮ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. પર્યટકોમાં વિખ્યાત દલ સરોવર થીજી ગયું હતું.

કાશ્મીરમાં લેહ-લદ્દાખમાં ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચે ઊતરતાં પાણીપુરવઠાની પાઇપલાઇનમાં પણ પાણી થીજી ગયું હતું. બુધવારે રાતે ગુલમર્ગમાં માઇનસ ૯ ડિગ્રી સેલ્સિયસ અને પહલગામમાં માઇનસ ૮.૩ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. કારગિલમાં માઇનસ ૧૬.૨ ડિગ્રી સેલ્સિયસ અને લેહ-લદ્દાખમાં લઘુતમ ઉષ્ણતામાન માઇનસ ૧૭.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દિલ્હીમાં ગુરુવારે સવારે વિવિધ વિસ્તારોમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસથી પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન અને ૨૧ ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં ૨૦૧૪થી અત્યાર સુધીનો ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કેટલાક દિવસોથી લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નીચે રહે છે.

 

national news